અપરાજિત કિવી ટીમ ત્રિકોણીય T20 સિરીઝમાં ચૅમ્પિયન

27 July, 2025 01:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડે આપેલા ૧૮૧ રનના ટાર્ગેટ સામે સાઉથ આફ્રિકા ૧૭૭ રન બનાવી શક્યું, ફાઇનલ મૅચ માત્ર ૩ રને હાર્યું

ચૅમ્પિયન ટ્રોફી સાથે ન્યુ ઝીલૅન્ડના પ્લેયર્સ.

અંતિમ ઓવરમાં બે વિકેટ લઈને માત્ર ૩ રન આપનાર કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રી પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝ બન્યો 

સાઉથ આફ્રિકા સામે ગઈ કાલે T20માં જીતની હૅટ-ટ્રિક કરીને ન્યુ ઝીલૅન્ડે ત્રિકોણીય T20 સિરીઝ જીતી લીધી છે. ફાઇનલ મૅચમાં ૩ રને રોમાંચક જીત મેળવનાર કિવી ટીમ ઝિમ્બાબ્વેના હરારેમાં આયોજિત આ ત્રિકોણીય T20 સિરીઝમાં અપરાજિત રહી હતી. ન્યુ ઝીલૅન્ડે પાંચ વિકેટે ૧૮૦ રન કર્યા હતા, જવાબમાં સાઉથ આફ્રિકા ૬ વિકેટે ૧૭૭ રન જ કરી શક્યું હતું. 

ન્યુ ઝીલૅન્ડે ઓપનર ડેવૉન કોન્વે (૩૧ બૉલમાં ૪૭ રન) અને ટૉપ ઑર્ડર બૅટર રચિન રવીન્દ્ર (૨૭ બૉલમાં ૪૭ રન)ની ઇનિંગ્સની મદદથી સાઉથ આફ્રિકા સામે કિવી ટીમનો હાઇએસ્ટ ૧૮૦ રનનો સ્કોર કર્યો હતો. સાઉથ આફ્રિકા તરફથી ફાસ્ટ બોલર લુંગી એન્ગીડી (૨૪ રનમાં બે વિકેટ) સૌથી પ્રભાવશાળી રહ્યો હતો. 

સાઉથ આફ્રિકાના ઓપનર્સ લુઆન-ડ્રે પ્રિટોરિયસ (૩૫ બૉલમાં ૫૧ રન) અને રીઝા હેન્ડ્રિક્સ (૩૧ બૉલમાં ૩૭ રન)એ ૫૮ બૉલમાં ૯૨ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરમાં જ્યારે જીતવા માટે ૭ રનની જરૂર હતી ત્યારે કિવી ટીમના ફાસ્ટ બોલર મૅટ હેન્રી (૧૯ રનમાં બે વિકેટ)એ ૩ રન આપીને બે વિકેટ લીધી હતી. તે પ્લેયર ઑફ ધ મૅચની સાથે સિરીઝમાં ૧૦ વિકેટ લેતાં પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો.

357- બન્ને ટીમ વચ્ચેના T20 ઇતિહાસની આટલા હાઇએસ્ટ રનવાળી T20 મૅચ રહી. 

મૅટ હેન્રીની અંતિમ ઓવરમાં શું થયું? 
૧૯.૧ - ઝીરો
૧૯.૨- ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ 
૧૯.૩ - બે રન
૧૯.૪- એક રન
૧૯.૫- જ્યૉર્જ લિન્ડેની વિકેટ
૧૯.૬ - ઝીરો

south africa new zealand sports news sports cricket news indian cricket team