હાર્ટ-અટૅક આવ્યા બાદ સૌરવ ગાંગુલી હૉસ્પિટલમાં ઍડ્મિટ

03 January, 2021 03:01 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

હાર્ટ-અટૅક આવ્યા બાદ સૌરવ ગાંગુલી હૉસ્પિટલમાં ઍડ્મિટ

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રેસિડન્ટ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને ગઈ કાલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને કલકત્તાની વુડલૅન્ડ્સ મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી અને જિમમાંથી પાછા ફર્યા બાદ તેને આંખે અંધારાં આવવી ગયાં હતાં. પ્રાપ્ત સમાચાર મુજબ એસએસકેએમ હૉસ્પિટલના કાર્ડિયોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉક્ટર સરોજ મંડલ પણ ગાંગુલીની સારવાર માટે વુડલૅન્ડ્સ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

ગાંગુલીના પરિવાજનોના જણાવ્યા પ્રમાણે હૉસ્પિટલ પહોંચ્યા બાદ દાદાની ઈસીજી ટેસ્ટ અને ટ્રોપોનિન-ટી ટેસ્ટ કરવામાં આવી હતી. હાલમાં તેઓ ખતરામાંથી બહાર છે અને તબિયત પણ સ્ટેબલ છે. સંભવત: ગાંગુલીની ઍન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી શકે છે. 

આ સમાચાર વાયુવેગે ફેલાતાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘એ સાંભળીને ઘણું દુઃખ થાય છે કે સૌરવ ગાંગુલીને હૃદયરોગનો હળવો હુમલો આવ્યો અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે તેને ઝડપથી અને સંપૂર્ણપણે સાજા થવાની શુભેચ્છા પાઠવીએ છીએ. મારી પ્રાર્થનાઓ તેની અને તેના પરિવાર સાથે છે.’

આ ઉપરાંત ક્રિકેટજગતના ભૂતપૂર્વ અને વર્તમાન ખેલાડીઓએ દાદાને જલદી સાજા થવાની શુભેચ્છા આપી હતી જેમાં રવિ શાસ્ત્રી, વીરેન્દર સહેવાગ, અનિલ કુંબલે, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, ઇરફાન પઠાણ, મોહમ્મદ કૈફ, વસીમ જાફરથી માંડીને વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, શ્રેયસ ઐયર, ઉમેશ યાદવ, મિતાલી રાજ, ઝુલન ગોસ્વામી અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનો સમાવેશ હતો. 

sports sports news cricket news sourav ganguly board of control for cricket in india