સૌરવ ગાંગુલીની હાલત સ્ટેબલ

05 January, 2021 03:37 PM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

સૌરવ ગાંગુલીની હાલત સ્ટેબલ

સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રેસિડન્ટ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીના સ્વાસ્થ્ય સંદર્ભે ગઈ કાલે વુડલૅન્સ હૉસ્પિટલનની મેડિકલ ટીમે ફૅમિલી મેમ્બર સાથે ચર્ચા કર્યા બાદ મહત્ત્વના નિર્ણય લીધા હતા. ગાંગુલીની તબિયત પહેલાં કરતાં બહેતર હોવાથી અત્યારે તેની નસના બાકીના બ્લૉકેજ માટે વધુ એક ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં નહીં આવે. જો બધું સમુંસૂતરું રહ્યું તો કદાચ આજે ગાંગુલીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

હૉસ્પિટલે જાહેર કરેલા બુલેટિનમાં જણાવ્યા પ્રમાણે ‘ડૉક્ટરો સૌરવ ગાંગુલીની સારવાર અને સ્વાસ્થ્યની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને સમયે-સમયે યોગ્ય પગલાં લઈ રહ્યા છે. સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે પરક્યુટેનિયસ ટ્રાન્સલ્યુમિનલ કોરોનરી ઍન્જિયોપ્લાસ્ટી (પીટીસીએ)ની યોગ્ય અને સમયસર પ્રારંભિક ટ્રીટમેન્ટ સાથે આરસીએના રિવેસ્ક્યુલરાઇઝેશનની ટ્રીટમેન્ટ કરવામાં આવે. અન્ય બે કોરોનરી બ્લૉકેજ એલએડી (LAD) અને ઓએમ2 (OM2)ને દૂર કરવા માટે ઍન્જિયોપ્લાસ્ટી જરૂરી છે, પણ હાલમાં તેમની તબિયત સ્ટેબલ છે અને છાતીમાં જરાય દુખાવો ન હોવાથી અત્યારે નહીં કરવામાં આવે.’

વુડલૅન્ડ હૉ‌સ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે ગાંગુલીના હાર્ટમાં અમુક બ્લૉકેજિસ હતા, જે ક્રિટિકલ હતા અને સ્ટેન્ટ લગાડવામાં આવ્યાં છે.

શનિવારે છાતીમાં દુખાવા અને આંખ સામે અંધારાં આવવાની ફરિયાદ કર્યા બાદ દાદાને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રવિવારે તેમની કોરોનરી ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંગુલીને તેમના સ્વાસ્થ્ય સંબંધી ખબરઅંતર પૂછ્યા હતા અને તેની પત્ની ડોના સાથે પણ વાત કરી હતી.

sports sports news cricket news sourav ganguly