આઇસીસીના ચૅરમૅનપદ માટે સૌરવ ગાંગુલી સૌથી બેસ્ટ છે : કુમાર સંગકારા

27 July, 2020 04:17 PM IST  |  Mumbai Desk | Agencies

આઇસીસીના ચૅરમૅનપદ માટે સૌરવ ગાંગુલી સૌથી બેસ્ટ છે : કુમાર સંગકારા

ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટ ટીમના કપ્તાન કુમાર સંગકારાનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડના વર્તમાન પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅનપદ માટે સૌથી બેસ્ટ કૅન્ડિડેટ છે. ગાંગુલીનાં વખાણ કરતાં સંગકારાએ કહ્યું કે ‘મારા ખ્યાલથી સૌરવ બદલાવ લાવી શકે છે. એવું નથી કે ક્રિકેટમાં તેના કદને જોતાં હું તેનો ચાહક છું. હું તેનો પ્રખર ચાહક છું, પણ એની સાથે મને ખબર છે કે ક્રિકેટ માટે તેનું મગજ સતત કાર્યશીલ રહેતું હોય છે. મન અને મગજથી તે આ ગેમના વિકાસ માટે સતત કામ કરતો રહે છે. આઇસીસીના અધિકારી બની જવાથી તે કોઈ ચોક્કસ ક્રિકેટ બોર્ડ માટે કામ કરશે એવું નહીં રહે. તમારું મગજ સતત ઇન્ટરનૅશનલ ક્રિકેટ માટે કાર્યરત રહેવું જોઈએ. હું ભારતીય છું, શ્રીલંકન છું, ઑસ્ટ્રેલિયન છું એવી ભાવનાના સ્થાને હું એક ક્રિકેટર છું એવા ભાવથી કામ કરવું જોઈએ. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમારે બાળકો, ચાહકો અને વિશ્વભરના દર્શકોને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે અને મને ભરોસો છે કે સૌરવ આ કામ ઘણી સારી રીતે કરી શકે છે. તે બીસીસીઆઇનો પ્રેસિડેન્ટ બન્યો એ પહેલાં પણ મેં તેનું કામ જોયું છે. વર્લ્ડ ક્રિકેટમાં તેની ઘણી સારી છાપ છે અને આઇસીસીના એ પદ માટે ગાંગુલી એક બેસ્ટ પસંદગી છે એમાં મને જરા પણ શંકા નથી.’

sports sports news cricket news sourav ganguly kumar sangakkara