ગાંગુલીએ કર્યો રિષભ પંતનો બચાવ દરેક વખતે માસ્ક પહેરવો અસંભવ

17 July, 2021 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રેક દરમ્યાન ભીડમાં માસ્ક વગર યુરો કપની મૅચ માણવા અને કોરોનાગ્રસ્ત થવા બદલ રિષભ પંતની ભારે ટીકા થઈ રહી છે

રિષભ પંત

બ્રેક દરમ્યાન ભીડમાં માસ્ક વગર યુરો કપની મૅચ માણવા અને કોરોનાગ્રસ્ત થવા બદલ રિષભ પંતની ભારે ટીકા થઈ રહી છે. આવા સમયે ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી તેની વહારે આવ્યા છે અને બચાવ કરતાં તેણે કહ્યું કે દરેક વખતે માસ્ક પહેરી રાખવું અસંભવ છે. 
રિષભનો બચાવ કરતાં ગાંગુલીએ કહ્યું કે ‘ઇંગ્લૅન્ડમાં યુરો કપ અને વિમ્બલ્ડન સ્પર્ધા રમાતી હોય છે. નિયમો બદલાઈ ગયા છે. સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. રિષભ પંત છુટ્ટી મનાવી રહ્યો હતો અને દરેક સમયે માસ્ક પહેરવો શારીરિક રૂપે અસંભવ છે.’ રિષભ પંત કેવી રીતે કોરોનાગ્રસ્ત થયો એ વિશે જાતજાતના તર્કવિર્તક ચાલી રહ્યા છે. અમુકને લાગે છે કે તેણે ગિરદીમાં યુરો કપની મૅચ માણી અને એ પણ માસ્ક પહેર્યા વિના એટલે કોરોનાના લપેટમાં આવી ગયો હશે. જોકે એક રિપોર્ટ અનુસાર પંત પાંચ અને છઠ્ઠી જુલાઈએ દાંતના ડૉક્ટર પાસે ગયો હતો ત્યાં જ તે કોરોનાગ્રસ્ત થયો હતો. સાતમી જુલાઈએ ભારતીય ટીમને કોરોના વૅક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આઠમી જુલાઈએ કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે. 

Rishabh Pant cricket news sourav ganguly