News In Shorts: વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

06 July, 2022 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે.

સ્મૃતિ મંધાના

વન-ડે બૅટિંગના ટૉપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતની વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના મહિલાઓની વન-ડેના આઇસીસી રૅન્કિંગ્સમાં ટૉપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે. તે આઠમા નંબરે આવી ગઈ છે. તેણે સોમવારે શ્રીલંકા સામેની વન-ડેમાં ૮૩ બૉલમાં ૯૪ રન ફટકાર્યા હતા. આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાની અલીસા હિલી પહેલા નંબરે અને ઇંગ્લૅન્ડની નૅટલી શિવર ત્રીજા સ્થાને છે. ભારતને શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં ૨-૦થી સરસાઈ અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા અને ઓપનર શફાલી વર્માના રૅન્કિંગમાં પણ ઘણો સુધારો થયો છે. 

રિચર્ડ્‍સને પ્રતિ​ષ્ઠિત કૅરિબિયન અવૉર્ડ
૧૯૭૪થી ૧૯૯૧ દરમ્યાન વેસ્ટ ઇન્ડીઝ વતી ૧૨૧ ટેસ્ટ અને ૧૮૭ વન-ડેમાં કુલ ૩૫ સેન્ચુરી સહિત ૧૫,૦૦૦થી વધુ રન બનાવનાર સર વિવિયન રિચર્ડ્‍સ વેસ્ટ ઇન્ડીઝના ‘ઑર્ડર ઑફ ધ કૅરિબિયન કમ્યુનિટી (કૅરિકૉમ) નામના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તેમને રવિવારે સાંજે સુરિનામમાં ૪૩મી કૉન્ફરન્સ ઑફ હેડ્સ ઑફ ગવર્નમેન્ટમાં આ અવૉર્ડ એનાયત કરાયો હતો. રિચર્ડ્‍સે ઈશ્વરની ભેટ સમાન ક્રિકેટ-ટૅલન્ટથી, મનોબળ અને શારીરિક સુસજ્જતાથી તેમ જ ક્રિકેટ બૅટથી વિશ્વભરમાં વેસ્ટ ઇન્ડીઝને અપ્રતિમ ગૌરવ અપાવ્યું એ બદલ તેમનું આ સન્માન કરાયું છે.

ન્યુ ઝીલૅન્ડમાં મહિલા ક્રિકેટરોને પુરુષો જેટલી જ ફી
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું છે કે દેશમાં પ્રોફેશનલ મહિલા ક્રિકેટરોને રમવા બદલ પુરુષ ખેલાડીઓ જેટલી જ ફી એક જ દિવસે આપવામાં આવશે. મહિલા ક્રિકેટરોમાં સૌથી ઊંચા રૅન્કની પ્લેયર્સને વર્ષે હવે ૮૩,૪૩૨ ન્યુ ઝીલૅન્ડ ડૉલરથી વધારીને ૧,૬૩,૨૪૬ ડૉલર મળશે. એ જ પ્રમાણે ઉદાહરણ તરીકે નવમી રૅન્કની ખેલાડીઓને વર્ષે ૬૬,૨૬૬ ડૉલરને બદલે હવે ૧,૪૮,૯૪૬ ડૉલર મળશે.

sports news indian womens cricket team