21 October, 2025 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
ભારતીય વિમેન્સ ટીમને વન-ડે વર્લ્ડ કપ 2025માં ફરી એક વાર અંતિમ ઓવર્સના નબળા પ્રદર્શનને કારણે હારનો સામનો કરવો પડ્યો. રવિવારે ઇંગ્લૅન્ડ સામે મળેલી ચાર રનની હાર માટે ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ પોતાની જાતને જવાબદાર ગણાવી હતી. ૨૮૯ રનના ટાર્ગેટ સામે ઓપનર સ્મૃતિ છેક ૪૨મી ઓવરમાં ૮ ફોરની મદદથી ૯૪ બૉલમાં ૮૮ રનની ઇનિંગ્સ રમીને કૅચઆઉટ થઈ હતી. સ્મૃતિ વર્તમાન વર્લ્ડ કપમાં ૨૨૨ રન સાથે હાઇએસ્ટ રન કરનાર એશિયન બૅટર હોવા છતાં ટીમ ઇન્ડિયાને હૅટ-ટ્રિક હારનો સામનો કરવો પડ્યો છે.
મૅચ બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે કે એ સમયે દરેક વ્યક્તિની શૉટ-પસંદગી યોગ્ય નહોતી. અમે અમારા શૉટ-પસંદગી સાથે વધુ સારું કરી શક્યા હોત. ખાસ કરીને એ મારી બૅટિંગ સાથે શરૂ થયું હતું એથી હું ખરાબ શૉટ-પસંદગી માટે મારી જાત પર દોષ લઈશ. હું મારી જાતને હાર માટે જવાબદાર ગણું છું, કારણ કે મારી વિકેટ બાદ ધબડકો શરૂ થયો. કદાચ આ મૅચમાં લાગણીઓ મારા પર હાવી થઈ ગઈ જે ક્રિકેટમાં ક્યારેય કામ કરતી નથી. મને વિશ્વાસ હતો કે અમે જીતીશું, પરંતુ આ ક્રિકેટ છે.’