સ્મૃતિ મંધાના બીજી વાર બની મહિલા ક્રિકેટર ઑફ ધ યર

25 January, 2022 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરુષોમાં પાકિસ્તાનના પેસ બોલર શાહીન શાહ આફ્રિદીએ બાજી મારી, બાબર આઝમ વન-ડે અને જો રુટ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર જાહેર

સ્મૃતિ મંધાના બીજી વાર બની મહિલા ક્રિકેટર ઑફ ધ યર

ભારતીય ઓપનર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના ફરી એક વાર આઇસીસી મહિલા ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ થઈ છે. મંધાનાએ કરીઅરમાં બીજી વાર આ સન્માન મેળવ્યું છે. આ પહલાં ૨૦૧૮માં પણ તેણે આ બહુમાન મેળવ્યું હતું. પુરુષ કૅટેગરીની વાત કરીએ તો ભારતીય ખેલાડીઓ માટે નિરાશા મળી છે અને ટેસ્ટ, વન-ડે કે ટી૨૦ એમ કોઈ પણ કૅટેગરીમાં બાજી નથી મારી શક્યા કે ભારતનો કોઈ ખેલાડી વન-ડે કે ટી૨૦ ટીમમાં પણ સ્થાન નથી મેળવી શક્યો.  
૨૦૧૮માં આ બહુમાન મેળવીને મંધાના બીજી ભારતીય મહિલા ખેલાડી બની છે. ૨૦૦૭માં ભારતીય પેસ બોલર ઝુલન ગોસ્વામી પ્લેયર ઑફ ધ યર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની હતી. 
આઇસીસી ટી૨૦ વુમન્સ ટીમ ઑફ ધ યરમાં પણ સ્થાન મેળવનાર મંધાના સામે આ બહુમાન માટે ઇંગ્લૅન્ડની ટૅમી બોમન્ટ, સાઉથ આફ્રિકાની લિઝેલ લી અને આયરલૅન્ડની ગૅબી લુઇસ સામે સ્પર્ધા હતી. 
ભારતીય ટી૨૦ ટીમની વાઇસ કૅપ્ટન મંધાનાએ ગયા વર્ષે ૨૨ ઇન્ટરનૅશનલ મૅચોમાં ૩૮.૮૬ની ઍવરેજ તેમજ એક સેન્ચુરી અને પાંચ હાફ-સેન્ચુરી સાથે કુલ ૮૫૫ રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ માટે ૨૦૨૧ સારું નહોતું રહ્યું, પણ મંધાના દરેક વખતે બૅટ વડે કમાલ કરતી રહી હતી. ભારતીય ટીમે ગયા વર્ષે જે પણ વિજય સાઉથ આફ્રિકા કે ઇંગ્લૅન્ડ સામે મેળવ્યા હતા એ બધામાં મંધાનાનું મહત્ત્વનું યોગદાન હતું. 

આફ્રિદી, બાબર, રુટ અને  લિઝેલ લીનો દબદબો

અન્ય કૅટેગરીમાં પાકિસ્તાનના ક્રિકેટરોનો દબદબો જોવા મળ્યો હતો. મેન્સ ક્રિકેટ ઑફ ધ યરનું બહુમાન પાકિસ્તાનના પેસ બોલર શાહીન શાહ આફ્રિદી અને કૅપ્ટન બાબર આઝમે વન-ડે ક્રિકેટર તરીકે તેમ જ ટી૨૦ ક્રિકેટર તરીકે મોહમ્મદ રીઝવાને બાજી મારી છે. સામે ભારતનો એક પણ ખેલાડી આ બહુમાન નથી મેળવી શક્યો. ઇંગ્લૅન્ડનો કૅપ્ટન જૉ રુટ ટેસ્ટ ક્રિકેટ ઑફ ધ યર તરીકે પંસદ થયો છે. 
આફ્રિદીએ ગયા વર્ષે ૩૬ ઇન્ટરનૅશનલ મૅચમાં ૭૮ વિકેટ સાથે તરખાટ મચાવ્યો હતો. 
બાબરે ગયા વર્ષે ૬ મૅચમાં ૬૭.૫૦ની ઍવરેજ સાથે ૪૦૫ રન બનાવ્યા હતા. બાબરે ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રમેલી ૧૫૮ રનની લાજવાબ ઇનિંગ્સના જોરે બાજી મારી ગયો હતો. 
રુટની આ બહુમાન માટે ભારતના રવિચન્દ્રન અશ્વિન, ન્યુ ઝીલૅન્ડના કાયલ જૅમીસન અને શ્રીલંકન દિમુથ કરુણારત્ને સામે સ્પર્ધા હતી. રુટે ગયા વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ ૧૭૦૦ કરતાં વધુ રન બનાવ્યા હતા. એક કૅલેન્ડર વર્ષમાં ૧૭૦૦થી વધુ રન બનાવનાર તે વિવિયન રિચર્ડ્સ અને મોહમ્મદ યુસુફ બાદ ત્રીજો ખેલાડી બન્યો હતો. રુટે બૅટ ઉપરાંત બૉલ વડે પણ કમાલ કરી ૧૪ વિકેટ લીધી હતી. 
સાઉથ આફ્રિકાની લિઝેલ લીની વન-ડે મહિલા ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદગી થઈ હતી. જ્યારે તેના જ દેશના મૅરાઇસ ઇરાસ્મસની અમ્પાયર ઑફ ધ યર તરીકે પસંદગી થઈ હતી.

cricket news sports sports news