શ્રીલંકામાં ખેલાડીઓની નિવૃત્તિ પર લગામ

10 January, 2022 02:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભાનુકા પછી દાનુષ્કા પણ ટી૨૦ લીગ માટે વહેલો રિટાયર થતાં શ્રીલંકન ક્રિકેટ બોર્ડ સફાળું જાગ્યું અને ત્રણ નવા કડક નિયમ જાહેર કર્યા

દાનુષ્કા ગુણાથિલકા

શ્રીલંકામાં એક પછી એક ખેલાડી ટેસ્ટ-ક્રિકેટમાંથી અથવા ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી ઓચિંતો રિટાયર થઈ રહ્યો હોવાથી શ્રીલંકન ખેલાડીઓએ ખેલાડીઓના નિવૃત્તિના સિલસિલા પર લગામ તાણી છે. દેશના ક્રિકેટ બોર્ડે નિવૃત્ત થવા માગતા પ્લેયરો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
કયા કડક નિયમ લાગુ થયા?
રિટાયર થવા માગતા ખેલાડીએ ક્રિકેટ બોર્ડને ત્રણ મહિના અગાઉ પોતાની નિવૃત્તિની જાણ કરવી પડશે, આઇપીએલ સહિતની કોઈ પણ વિદેશી ફ્રૅન્ચાઇઝી આધારિત લીગ ટુર્નામેન્ટમાં રમવા માટે શ્રીલંકન બોર્ડ પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) મેળવવા નિવૃત્તિ પછી ૬ મહિના રાહ જોવી પડશે તેમ જ લંકા પ્રીમિયર લીગ (એલ.પી.એલ.)માં રમવું હોય તો એ પહેલાં તેમણે એક સીઝનમાં ૮૦ ટકા ડોમેસ્ટિક મૅચો રમી હોવી જોઈશે.
માત્ર પાંચ વન-ડે અને ૧૮ ટી૨૦ મૅચ રમનાર ૩૦ વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટર ભાનુકા રાજાપક્સાએ પાંચમી જાન્યુઆરીએ પારિવારિક કારણસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અને ફક્ત ૮ ટેસ્ટ રમનાર ૩૦ વર્ષના આક્રમક લેફ્ટ-હૅન્ડ ઓપનર દાનુષ્કા ગુણાથિલકાએ વન-ડે, ટી૨૦ પર એકાગ્રતા વધારવા ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ બે ખેલાડીઓની જાહેરાત બાદ વધુ નૅશનલ પ્લેયરોને એવું કરતા રોકવા શ્રીલંકન બોર્ડ સફાળું જાગી ગયું છે.
ફર્નાન્ડો માટે ઊડી અફવા
મર્યાદિત ઓવરોની કુલ ૫૬ મૅચના અનુભવી ૨૩ વર્ષના બૅટર અવિષ્કા ફર્નાન્ડો વિશે રિટાયરમેન્ટની અફવા ઊડી હતી જે તેણે સોશ્યલ મીડિયા પર નકારવી પડી છે.
નિવૃત્તિ માટે મુખ્ય બે કારણ
કેટલાક શ્રીલંકન ખેલાડીઓના ક્રિકેટ બોર્ડ સાથે થોડા સમયથી સંબંધો બગડ્યા છે. જોકે વહેલી નિવૃત્તિ પાછળનું એક કારણ એ છે કે ફિટનેસને લગતા નિયમો હવે વધુ કડક થઈ ગયા છે. બીજું, વધુ ને વધુ લીગ ટુર્નામેન્ટ લાખો ને કરોડો રૂપિયાની ઑફર કરી રહી હોવાથી અમુક શ્રીલંકન પ્લેયરો હવે એમાં વધુ સમય આપવા માગે છે. રિટાયર્ડ પ્લેયર આઇસીસી દ્વારા માન્યતાપ્રાપ્ત ન હોય એવી લીગમાં પણ રમી શકે છે.
આ વર્ષની આઇપીએલ પહેલાં પ્લેયરોની હરાજીનો સમય નજીક આવી ગયો છે એટલે કેટલાક ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય મૅચોથી છુટકારો મેળવીને કરોડો 
રૂપિયા કમાવા તૈયાર થઈ 
રહ્યા છે.

3
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જે આટલા ખેલાડીઓ પરનો આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છ મહિના વહેલો ઉઠાવી લીધો એમાંનો એક દાનુષ્કા ગુણાથિલકા હતો, પણ તે હવે ટેસ્ટમાંથી ઓચિંતો નિવૃત્ત થઈ ગયો છે.

ડિકૉકના રિટાયરમેન્ટ વખતે પીટરસને વધુ નિવૃત્તિઓની આગાહી કરી હતી જે હવે સાચી પડી રહી છે

ડિકૉકની પત્ની સશાએ બે દિવસ પહેલાં પ્રથમ બાળકીને જન્મ આપ્યો હતો. તેનું નામ કિઆરા રાખ્યું છે. સશા લગ્ન પહેલાં ચિયરલીડર હતી

અત્યારે ઇન્ટરનૅશનલ ક્રિકેટરોની ઓચિંતી નિવૃત્તિનો દોર ચાલી રહ્યો છે. તાજેતરમાં ભારત સામેની પ્રથમ ટેસ્ટ બાદ સાઉથ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડિકૉકે પૅટરનિટી લીવ લીધા બાદ બે દિવસ પછી અચાનક ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. ત્યારે તેના જ દેશના ભૂતપૂર્વ ક્રિકેટર અલ્વિરો પીટરસને કહ્યું હતું કે ‘મને ડિકૉકની ઓચિંતી નિવૃત્તિથી આંચકો લાગ્યો છે. જોકે મને ડર છે કે આવનારા દિવસોમાં કદાચ વધુ ક્રિકેટરો ટેસ્ટમાંથી અથવા ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરશે.’
પીટરસનની આગાહી તરત સાચી પડી છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં બે શ્રીલંકન ખેલાડીઓએ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.

sports sports news cricket news sri lanka