✕

ખૈરાત મેં નહીં મિલા હૈ કુછ ભી, દેખો મગર પ્યાર સે

15 October, 2026 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્લેયર ઑફ ધ મૅચ બન્યા પછી રવીન્દ્ર જાડેજાએ શૅર કરી રસપ્રદ કૅપ્શન

રવીન્દ્ર જાડેજા

રાજકોટમાં રમાયેલી સૌરાષ્ટ્ર અને છત્તીસગઢ વચ્ચેની રણજી મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સમાં સૌરાષ્ટ્રના ૩૯૨ રન સામે છત્તીસગઢે ૩૧૨ રન કર્યા હતા. ચોથા દિવસના અંતે ચિરાજ જાનીના અણનમ ૧૨૭ રનની મદદથી સૌરાષ્ટ્રે ૨૨૯-૧નો સ્કોર કર્યો હતો અને મૅચ ડ્રૉ રહી હતી. 
આ મૅચમાં ૩૭ વર્ષનો ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. તેણે મૅચમાં ૧૦૨ રન કરવાની સાથે ૩ વિકેટ પણ લીધી હતી. મૅચ પછી પોતાની સેન્ચુરીની ઉજવણી અને પ્લેયર ઑફ ધ મૅચની મેડલ સાથે ફોટો શૅર કરીને રવીન્દ્ર જાડેજાએ રસપ્રદ કૅપ્ટન શૅર કરી હતી. તેણે લખ્યું, ‘ખૈરાત મેં નહીં મિલા હૈ કુછ ભી. દેખો મગર પ્યાર સે.’

રિટાયરમેન્ટ પહેલાં ઘરઆંગણે વર્લ્ડ કપ રમવો એ આશીર્વાદ સમાન : સિકંદર રઝા

આગામી વન-ડે વર્લ્ડ કપ 2027 સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાવાનો છે. ઝિમ્બાબ્વેના ૪૦ વર્ષના કૅપ્ટન સિંકદર રઝાએ કહ્યું, ‘વર્લ્ડ કપમાં રમવું એ દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. મારી કરીઅર પણ હવે અંતિમ તબક્કામાં છે ત્યારે ઘરઆંગણે વર્લ્ડ કપ રમવાની તક મળવી એ મારા માટે ચોક્કસપણે વ્યક્તિગત આશીર્વાદ સમાન છે. દુનિયાએ જોવું જોઈએ કે આફ્રિકા પાસે શું છે. અહીંની સુંદરતા, પ્રેક્ષકોનો ઉત્સાહ, વાતાવરણ અને ખાસ કરીને ઝિમ્બાબ્વેમાં અમારી પાસે જે છે એ બધું. દુનિયાએ આ બધું જોવાની જરૂર છે. વર્લ્ડ કપ જોવા માટે ઝિમ્બાબ્વે આવનારા લોકો માટે આ એક યાદગાર અનુભવ બની રહેશે. સારું પ્રદર્શન કરતી ટીમો વૈશ્વિક ટુર્નામેન્ટમાં રમવાની વધુ તકો મેળવવાને પાત્ર છે.’

કર્ણાટક માટે કે.એલ. રાહુલ ફ્લૉપ રહ્યો, કરુણ નાયરે સેન્ચુરી ફટકારી

રણજી ટ્રોફી એલીટ ગ્રુપ Bમાં હૈદરાબાદ ૭ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે. હૈદરાબાદે ત્રિપુરા સામે એક ઇનિંગ્સ અને ૪૦ રને જીત નોંધાવી હતી. હૈદરાબાદી કૅપ્ટન મોહમ્મદ સિરાજને બે વિકેટ મળી હતી. પંજાબ-આસામ અને સૌરાષ્ટ્ર-આસામની મૅચ ડ્રૉ રહી હતી. 

યજમાન આંધ્ર પ્રદેશ ગત સીઝનની રનર-અપ કર્ણાટક વચ્ચેની મૅચ ડ્રૉ રહી હતી. પહેલી ઇનિંગ્સમાં કર્ણાટકે ૨૭૪ અને આંધ્ર પ્રદેશે ૪૧૮ રન કર્યા હતા. બીજી ઇનિંગ્સમાં કરુણ નાયરના ૨૪૨ બૉલમાં ૧૬ ફોર અને બે સિક્સની મદદથી બનેલા અણનમ ૧૫૫ રનને કારણે કર્ણાટકે ૩૩૭-૯નો સ્કોર કરીને ૧૯૪ રનનો ટાર્ગેટ આપ્યો, પણ આંધ પ્રદેશ ચોથા દિવસના અંત સુધી ૧૦૪-૪નો સ્કોર જ કરી શક્યું. કે.એલ. રાહુલ કર્ણાટક માટે ૧૧ બૉલમાં ૪ રન અને ૨૦ બૉલમાં ૧ રન જ કરી શક્યો હતો.

વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે મધ્ય પ્રદેશ જીતથી વંચિત રહ્યું

ગ્રુપ Aમાં ૮ ટીમો વચ્ચે બરોડા ૭ પૉઇન્ટ સાથે ટૉપર બન્યું છે. બરોડાએ ગોવા સામે એક ઇનિંગ્સ અને ૧૩૫ રનથી જીત નોંધાવી હતી. શતકવીર રિન્કુ સિંહની ઉત્તર પ્રદેશ ટીમે બિહાર સામે એક ઇનિંગ્સ અને ૨૬૭ રને જીત મેળવી હતી. પૉન્ડિચૅરી સામેની મૅચમાં વિદર્ભે ૧૬૦ રનની જીત મેળવી. 

ડિફેન્ડિંગ ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીરે મધ્ય પ્રદેશ સામે મૅચ ડ્રૉ કરાવવામાં સફળતા મેળવી હતી. શ્રીનગરમાં મૅચના ચોથા અને અંતિમ દિવસે વરસાદ અને ખરાબ પ્રકાશને કારણે મુલાકાતી ટીમને જીત મેળવવાની તક મળી શકી નહોતી. બન્ને ટીમને ૩-૩ પૉઇન્ટ મળ્યા છે. ૩૨૬ રનના ટાર્ગેટ સામે યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં ૮૮ રનમાં ૭ વિકેટ ગુમાવી દીધી હતી.

૧૯ વર્ષનો વેદાંત ત્રિવેદી ગુજરાતની જીતનો હીરો બન્યો 

ગ્રુપ Cમાં ઓડિશા સામે ૧૦ વિકેટની જીત સાથે ૬ પૉઇન્ટ અને સારા નેટ રનરેટ સાથે ગુજરાત પહેલા ક્રમે છે. ૩૨૪ રન અને ૧૬૧ રનનો સ્કોર કરીને ઓડિશાએ માત્ર ૪૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૪૩૯ રન કરનાર ગુજરાતે ૯.૩ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ટાર્ગેટ ચેઝ કર્યો હતો. અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન વેદાંત ત્રિવેદી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મૅચની ડેબ્યુ મૅચમાં ૧૦૮ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. 

પૃથ્વી શૉની ટીમ મહારાષ્ટ્ર સર્વિસિસને ૧૨૭ રનથી હરાવીને આ ગ્રુપમાં બીજા ક્રમે છે. પશ્ચિમ બંગાળે દિલ્હીનો ૮૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૯ વિકેટે જીત નોંધાવી હતી. રેપકેસમાં જામીન પર છૂટીને આવીને ૧૪૯ રન ઝૂડનાર અભિષેક પોરેલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ૪ સદી છતાં ઝારખંડ અને કેરલમની મૅચ ડ્રૉ રહી હતી.

ગ્રુપ Dમાં હરિયાણાએ મુંબઈનું નંબર વનનું સ્થાન લઈ લીધું

ગ્રુપ Dમાં હરિયાણાએ હિમાચલ પ્રદેશને ૭ વિકેટે હરાવીને +૦.૬૫૧ના નેટ-રનરેટ અને ૬ પૉઇન્ટ સાથે પહેલો ક્રમ મેળવ્યો છે. અગાઉ ચંડીગઢ સામેની જીત પછી મુંબઈ +૦.૧૦૮ના નેટ-રનરેટ સાથે પહેલા ક્રમે હતું. 

અન્ય મૅચોમાં ઉત્તરાખંડ-રેલવેઝની સાથે રાજસ્થાન-તેલંગણની મૅચ ડ્રૉ રહી હતી. 

પ્લેટ ગ્રુપમાં મણિપુર ટૉપર બન્યું

પ્લેટ ગ્રુપમાં મણિપુરે મિઝોરમ સામે ૨૨૮ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ત્રણ વિકેટ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. સિક્કિમ-મેઘાલયની મૅચ ડ્રૉ રહી હતી જ્યારે અરુણાચલ ટીમના વહીવટી વિવાદને કારણે નાગાલૅન્ડ સામેની મૅચ રદ રહી હતી. 

ravindra jadeja kl rahul karun nair cricket news sports news sports zimbabwe mohammed siraj rinku singh hyderabad karnataka