ગિલે ઑસ્ટ્રેલિયામાં મળેલી સફળતાનું શ્રેય આપ્યું યુવરાજને

24 January, 2021 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગિલે ઑસ્ટ્રેલિયામાં મળેલી સફળતાનું શ્રેય આપ્યું યુવરાજને

શુભમન ગિલ

પૃથ્વી શૉના નબળા પ્રદર્શન બાદ તેને રિપ્લેસ કરનાર ઓપનર તરીકે શુભમન ગિલ ટીમ ઇન્ડિયા માટે ફળ્યો હતો. પોતાના ધૈર્ય અને ટેક્નિક સાથે જબરદસ્ત પ્રદર્શન કરનાર શુભમન ગિલે બ્રિસ્બેન ટેસ્ટમાં રોહિત શર્મા આઉટ થયા બાદ ૯૧ રન કર્યા હતા જેને લીધે ઇન્ડિયાની જીતને એક મજબૂત પાયો મળ્યો હતો. નોંધવા જેવી વાત એ છે કે પોતાની આ ધાકડ ઇનિંગ્સ બદલ તેણે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહનો આભાર માન્યો હતો. શુભમન ગિલે ઑસ્ટ્રેલિયા ટૂર પર ત્રણ ટેસ્ટ મૅચમાં ૫૧.૮૦ની ઍવરેજથી બે હાફ સેન્ચુરી ફટકારીને કુલ ૨૫૯ રન બનાવ્યા હતા.

એક સમાચારપત્રને આપેલી મુલાકાતમાં શુભમન ગિલે કહ્યું કે ‘ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કરવું મારા માટે સૌથી મોટી રાહતની ક્ષણ હતી. હવે હું ઘણો રિલૅક્સ અનુભવી રહ્યો છું. શરૂઆતમાં હું થોડો નર્વસ હતો, પણ એક-એક ઇનિંગ બાદ મારો આત્મવિશ્વાસ વધતો ગયો હતો. મારી આ સફળતાનું શ્રેય હું યુવીપાજી (યુવરાજ સિંહ)ને આપવા માગું છું. તેમની સાથે આઇપીએલ ૨૦૨૦ પહેલાં કરેલો કૅમ્પ મારા માટે ઘણો મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. કૅમ્પમાં તેમણે મને સમજાવ્યું કે વિરોધી ટીમનો કઈ રીતે સામનો કરવો જોઈએ. તેમણે મને અલગ-અલગ ઍન્ગલથી ૧૦૦થી પણ વધારે શૉર્ટ પિચ બૉલ નાખ્યા હતા જેને લીધે મને ઘણી મદદ મળી હતી. મારું લક્ષ્ય હવે સતત રન બનાવવા પર રહેશે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં મારી પરીક્ષા થશે, કેમ કે જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રૉડ અને જોફ્રા આર્ચર જેવા બોલરનો સામનો કરવો સરળ નહીં હોય.’

sports sports news cricket news yuvraj singh