શ્રેયસે પોતાને હરાજીમાં મૂક્યો : દિલ્હીએ પંત, પૃથ્વી, અક્ષર પટેલને રીટેન કર્યા

27 November, 2021 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીની ટીમે તેને ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે શ્રેયસને ઑક્શનમાં વધુ ઊંચી પ્રાઇસ મળવાની સંભાવના છે.

ફોટો/એએફપી

૨૦૨૨ના એપ્રિલ-મેમાં ભારતમાં યોજાનારી આઇપીએલ પહેલાં આવતા મહિને મોટા પાયે (લગભગ ૯૫ ટકા ખેલાડીઓની) હરાજીની ઇવેન્ટ યોજાશે અને એ પહેલાં દરેક ટીમ પોતે રીટેન કરેલા ચાર ખેલાડીઓની જાહેરાત કરવા માંડી છે. દિલ્હી કૅપિટલ્સ રીટેન કરવા વિશે લીધેલા નિર્ણયની જાહેરાત કરે એ પહેલાં જ નવા ટેસ્ટ-સિતારા શ્રેયસ ઐયરે પોતાને હરાજીમાં મૂકી દીધો છે. દિલ્હીની ટીમે તેને ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે શ્રેયસને ઑક્શનમાં વધુ ઊંચી પ્રાઇસ મળવાની સંભાવના છે.
દરમ્યાન દિલ્હી કૅપિટલ્સે રિષભ પંત (૧૫ કરોડ રૂપિયા), પૃથ્વી શૉ (૧.૨ કરોડ રૂપિયા), અક્ષર પટેલ (પાંચ કરોડ રૂપિયા) અને ઍન્રિચ નૉર્કિયા (૫૦ લાખ રૂપિયા)ને રીટેન કર્યા છે.

સુનીલ ગાવસકરે ગુરુવારે મને ટેસ્ટ-કૅપ આપતાં કહેલું કે તું ભૂતકાળ કે ભવિષ્ય વિશે કંઈ નહીં વિચારતો, માત્ર વર્તમાન પર જ ધ્યાન આપીને પછીના બૉલ પર ધ્યાન કેન્દ્રિત કરજે. હું સનીની સલાહ પ્રમાણે જ રમ્યો. ખરેખર તો હું ત્રણ વર્ષ પહેલાં ઈરાની ટ્રોફી બાદ પહેલી વાર રેડ બૉલથી રમ્યો. : સિતારા શ્રેયસ ઐયર

હવે હું આમરે સરને ડિનર પર બોલાવી શકીશ : શ્રેયસ

શ્રેયસ ઐયરે ગઈ કાલે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકાર્યા પછી પત્રકારોને રમૂજ ફેલાવતાં કહ્યું હતું કે ‘મેં થોડા દિવસ પહેલાં મારા કોચ પ્રવીણ આમરેને ડિનર પર આવવાનું આમંત્રણ આપ્યું તો તેમણે મને કહ્યું કે તું જ્યારે ટેસ્ટમાં સદી ફટકારીશ ત્યારે હું તારે ત્યાં જમવા આવીશ. આજે મેં પહેલી જ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી એટલે હવે હું નિઃસંકોચ આમરે સરને મેસેજ કરીશ અને ડિનર પર આવવાનું ઇન્વિટેશન આપીશ.’
૧૯૯૨માં ખુદ પ્રવીણ આમરેએ સાઉથ આફ્રિકા સામે ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી હતી.

sports news cricket news shreyas iyer