26 March, 2026 02:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શેન વૉર્ન પરિવાર સાથે
રાજસ્થાન રૉયલ્સની ૧૫,૩૦૦ કરોડ રૂપિયામાં ડીલ પાકી થઈ રહી હોવાથી ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનરને લૉટરી લાગશે. ટીમ વતી ૪ વર્ષ રમવા બદલ પૈસા ઉપરાંત ૩ ટકા ઇક્વિટી મેળવી હતી.
મંગળવારે રાજસ્થાન રૉયલ્સની ડીલ ૧૫,૩૦૦ કરોડ રૂપિયામાં ફાઇનલ થઈ હોવાના સમાચાર મળતાં જ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પિનર શેન વૉર્નની ફૅમિલીને લૉટરી લાગી ગઈ હતી. મેદાનમાં સ્માર્ટ બોલર તરીકે ભલભલા બૅટરોને ધ્રુજાવનાર વૉર્ને તેની સ્માર્ટ બિઝનેસ-સેન્સનો પણ પરિચય આપતાં આજે તેની ફૅમિલી આશરે ૪૫૦ કરોડ રૂપિયા મેળવશે.
૨.૩૪ કરોડ+ ૩ ટકા હિસ્સેદારી
શેન વૉર્ન IPLમાં વેચાયેલો પ્રથમ ખેલાડી હતો. રાજસ્થાન રૉયલ્સે તેને ૨૦૦૮માં ખરીદ્યો હતો અને ટીમનો કૅપ્ટન બનાવ્યો હતો. શેન વૉર્ને ફ્રૅન્ચાઇજીના વિશ્વાસને સાર્થક કરતાં રાજસ્થાનને IPLનું પ્રથમ ચૅમ્પિયન બનાવી દીધું હતું. શેન વૉર્ન રાજસ્થાન વતી ખેલાડી અને કૅપ્ટન તરીકે ૪ સીઝન રમ્યો હતો. આ દરમ્યાન તેને દર વર્ષે ૨.૩૪ કરોડ રૂપિયા મળતા હતા. રાજસ્થાને શેન વૉર્નને રમવા અને કૅપ્ટન્સી ઉપરાંત ફ્રૅન્ચાઇઝીની ક્રિકેટ-ઑપરેશન સહિતની તમામ જવાબદારીઓ પણ સોંપી દીધી હતી. આમ તે રાજસ્થાન રૉયલ્સનો સર્વેસર્વા બની ગયો હતો. આ બધી જવાબદારીઓ બદલ તેણે ફ્રૅન્ચાઇઝી પાસેથી દર વર્ષે ૦.૭૫ ટકા ઇક્વિટી (ટીમની માલિકીમાં હિસ્સો) મેળવી હતી અને ૪ વર્ષમાં તે ટીમનો ૩ ટકાનો માલિક બની ગયો હતો. હવે જ્યારે રાજસ્થાન ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુમાં વેચાઈ રહ્યું છે ત્યારે ૨૦૨૨માં મૃત્યુ પામેલા વૉર્નની ફૅમિલીને ૩ ટકા પ્રમાણે આશરે ૪૫૦થી ૪૬૦ કરોડ રૂપિયા મળશે.
રાજસ્થાન રૉયલ્સ માટે શે ન વૉર્નનું પ્રદર્શન
શેન વૉર્ને IPLમાં રાજસ્થાન રૉયલ્સ માટે ૪ સીઝનમાં કુલ પંચાવન મૅચ રમી છે જેમાં તેણે ૫૭ વિકેટ ઝડપી હતી. તેની સૌથી સફળ સીઝન ૨૦૦૮ની પ્રથમ સીઝન જ રહી હતી જેમાં તેણે ૧૯ વિકેટ ઝડપીને ટીમને ચૅમ્પિયન બનાવી હતી.