ઢાકામાં રમત ધોવાઈ ગઈ, પણ શાકિબે મોજ માણી

07 December, 2021 03:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આજે અને આવતી કાલે ઢાકામાં વરસાદની આગાહી નથી

શાકિબ

ઢાકામાં ગઈ કાલે પાકિસ્તાન સામેની બંગલા દેશની બીજી ટેસ્ટની ત્રીજા દિવસની રમત વરસાદને લીધે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી. શેર-એ-બંગલા સ્ટેડિયમમાં કવર્સ હટાવવામાં જ નહોતાં આવ્યાં. એ તો ઠીક, પણ વરસાદને લીધે રમત રમાશે જ નહીં એવું ખાતરીપૂર્વક માનીને બન્ને ટીમના ખેલાડીઓ હોટેલ પરથી ગ્રાઉન્ડ પર આવ્યા જ નહોતા. મૅચના બીજા દિવસે (રવિવારે) ધોધમાર વરસાદ બાદ રમત અટકાવી દેવામાં આવી ત્યાર બાદ ફુરસદના સમયે બંગલા દેશનો પીઢ ખેલાડી શાકિબ ગ્રાઉન્ડ પર આવ્યો હતો અને પિચ પર રાખવામાં આવેલાં કવર પર પાણી ભરાયું હતું એમાં ઝંપલાવ્યું હતું અને થોડી પળો માણી હતી. એ દિવસે માત્ર ૬.૨ ઓવર રમાઈ હતી અને ત્યારે પાકિસ્તાનનો પ્રથમ દાવનો સ્કોર બે વિકેટે ૧૮૮ રન હતો.
આજે અને આવતી કાલે ઢાકામાં વરસાદની આગાહી નથી, પરંતુ જવાદ નામે ઓળખાતું વાવાઝોડું નબળું પડી રહ્યું હોવાના અહેવાલ છતાં વરુણદેવ જો ફરી વિઘ્નો ઊભાં કરશે તો આ ટેસ્ટ કદાચ અનિર્ણીત જાહેર કરવી પડશે.

sports sports news