સચિન તેન્ડુલકરને મળ્યો લૉરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ અવૉર્ડ

19 February, 2020 07:40 AM IST  |  New Delhi

સચિન તેન્ડુલકરને મળ્યો લૉરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ અવૉર્ડ

સચિન તેન્ડુલકર

સચિન તેન્ડુલકરને તાજેતરમાં લૉરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ અવૉર્ડ મળ્યો છે. ૨૦૧૧માં ઇન્ડિયન ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપ વખતે સચિન તેન્ડુલકરને ખભા પર બેસાડીને ટીમે જે રીતે ઉજવણી કરી હતી એ ક્ષણને છેલ્લાં ૨૦ વર્ષની શ્રેષ્ઠ ક્ષણરૂપે સન્માનિત કરવામાં આવી છે. ૨૦૧૧ની બીજી એપ્રિલે ભારત વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યું હતું. એ મૅચને ભારતમાં અંદાજે ૧૩.૫૦ કરોડ લોકોએ જોઈ હતી.

વર્લ્ડ કપ જીત્યાની એ ક્ષણને યાદ કરતાં અને અવૉર્ડ સ્વીકારતાં સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ‘એ ખરેખર અદ્ભુત હતું. વર્લ્ડ કપ જીત્યાની ફીલિંગ એવી છે કે એને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. તમે એ ક્ષણને ગમે એટલી વાર યાદ કરો ત્યારે તમને એમાં કોઈ મિક્સ પ્રતિસાદ મળશે નહીં. એ એવી ક્ષણોમાંની એક હતી જેને આખા દેશે સાથે ઊજવી હતી. એ ક્ષણ એ જ જણાવે છે કે લોકોને સાથે લાવવાની સ્પોર્ટ્સમાં કેટલી તાકાત રહેલી છે અને એ આપણા જીવનને કેટલી હદ સુધી બદલી શકે છે. આજે પણ હું જ્યારે એ મૅચ જોઉં છું ત્યારે મને એ ફીલિંગ અનુભવાય છે.’

આ અવૉર્ડ માટે તેન્ડુલકરના નામની જાહેરાત ટેનિસ સ્ટાર પ્લેયર બોરિસ બેકરે કરી હતી અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉના હસ્તે આ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પોતાની કિક્રેટ જર્નીના શરૂઆતના દિવસોને યાદ કરતાં સચિને કહ્યું હતું કે ‘ઇન્ડિયા જ્યારે ૧૯૮૩માં વર્લ્ડ કપ જીત્યું ત્યારે હું ૧૦ વર્ષનો હતો. આખો દેશ ત્યારે કશીક ઉજવણી કરી રહ્યો હતો પણ મને ખબર નહોતી પડતી કે આ શેની ઉજવણી છે. વગર કંઈ સમજ્યે હું પણ એ ઉજવણીમાં જોડાઈ ગયો હતો. પછી ખબર પડી કે દેશ માટે કંઈક મોટી વાત થઈ છે અને મારે પણ એ વાતની અનુભૂતિ કરવી છે અને એ વાતની અનુભૂતિ કરવાની ઇચ્છાથી જ મારી ક્રિકેટની જર્ની શરૂ થઈ.’

sachin tendulkar sourav ganguly ms dhoni gautam gambhir wankhede world cup 2011 world cup cricket news sports news