મૅચમાં આઉટ થયા બાદ સચિને પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો: લક્ષ્મણ

30 April, 2020 12:45 PM IST  |  New Delhi | Agencies

મૅચમાં આઉટ થયા બાદ સચિને પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો: લક્ષ્મણ

સચિન તેન્ડુલકર

વી.વી.એસ. લક્ષ્મણનું કહેવું છે કે ૧૯૯૮ની ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચમાં સચિન તેન્ડુલકરે પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો. સ્પોર્ટ્સમાં હાર અને જીતની સાથે પણ અનેક કિસ્સાઓ બનતા હોય છે જે ઘણી વાર ફક્ત પ્લેયર્સને જ ખબર હોય છે. તાજેતરમાં વીવીએસ લક્ષ્મણે સચિન તેન્ડુલકર સાથેનો કિસ્સો જણાવ્યો હતો. આ વિશે જણાવતાં લક્ષ્મણે કહ્યું કે ‘૧૯૯૮માં જ્યારે અમે ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ચ મૅચ રમી રહ્યા હતા ત્યારે પહેલી ઇનિંગમાં સચિન માત્ર ચાર રન કરીને આઉટ થયો હતો. ફોર માર્યા બાદ તે મિડ ઑન પર મોટો શૉર્ટ મારવા ગયો અને માર્ક ટેલરે તેને કેચ આઉટ કરી લીધો હતો. મને યાદ છે કે એ વખતે આઉટ થયા બાદ સચિને પોતાને ફિઝિયો રૂમમાં બંધ કરી દીધો હતો અને લગભગ એક કલાક બાદ દરવાજો ખોલી બહાર આવ્યો હતો. તેની આંખો લાલ હતી. તે જે રીતે આઉટ થયો હતો એનાથી તે નાખુશ હતો એ દેખાઈ રહ્યું હતું. એ વખતે શૅન વૉર્ન ઘણી ઘાતક બોલિંગ કરતો હતો, પણ સચિને બીજી ઇનિંગમાં ધમાલ મચાવી દીધી હતી. શૅન વૉર્ન પિચનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી રહ્યો હતો, પરંતુ સચિનની બૅટિંગ તેને જવાબ આપી રહી હતી અને તેણે સેન્ચુરી મારી હતી. મારા ખ્યાલથી સચિન અને વૉર્ન વચ્ચેની એ મૅચ સૌથી બેસ્ટ હતી.’

પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાએ ૩૨૮ રન કરી ૭૧ રનની લીડ બનાવી લીધી હતી. જોકે બીજી ઇનિંગમાં તેન્ડુલકરે નોટઆઉટ ૧૫૫ રન બનાવ્યા હતા જેમાં ૧૪ ફોર અને ચાર સિક્સર હતી.

sachin tendulkar shane warne vvs laxman cricket news sports news