ઇન્ડિયન ક્રિકેટ અસોસિએશનની મતદારયાદીમાં સચિન અને ગાવસકરનાં નામ નહીં

07 October, 2019 11:21 AM IST  |  મુંબઈ | હરીત જોષી

ઇન્ડિયન ક્રિકેટ અસોસિએશનની મતદારયાદીમાં સચિન અને ગાવસકરનાં નામ નહીં

સચિન અને ગાવસ્કર

પોતપોતાના સ્ટેટ અસોસિએશનમાં વોટિંગ કર્યા બાદ ભારતીય ક્રિકેટરો હવે ઇન્ડિયન ક્રિકેટ અસોસિએશન (આઇસીએ)માં વોટિંગ કરવા તૈયારી કરી રહ્યા છે. આઇસીએ ભારતીય ક્રિકેટરો દ્વારા બનેલી બોડી છે જે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં પોતાને રિપ્રેઝન્ટ કરશે.
ઇન્ટરનૅશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂકેલા અંદાજે ૧૨૦૦ જેટલા ભારતીય ક્રિકેટરોએ આઇસીએમાં પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું છે છતાં સુનીલ ગાવસકર, દિલીપ વેંગસકર, ઝહીર ખાન, સચિન તેન્ડુલકર, વિનોદ કાંબલી, રમેશ પવાર અને સંદીપ પાટીલ જેવા મોટા ક્રિકેટરો આ યાદીમાં સામેલ નથી થયા. મુંબઈ જેવા શહેરમાંથી અનેક મોટા પ્લેયરો ક્રિકેટમાં જોડાયા છે, પણ ૨૧ સપ્ટેમ્બરની મુદત સુધી માત્ર ૮૬ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરોએ પોતાનું નામ આઇસીએમાં રજિસ્ટર્ડ કરાવ્યું છે. આ ૮૬ પ્લેયરોમાંથી ૩૪ પુરુષ પ્લેયર છે.
જોકે તેન્ડુલકર, કાંબલી અને ઝહીર ખાન મુંબઈ ક્રિકેટ અસોસિએશનના વોટર્સ-લિસ્ટમાં પોતાનું નામ ધરાવે છે. યુવરાજ સિંહ અને બિશન સિંહ બેદી જેવા પ્લેયરોનાં નામ પણ ઇલેક્ટ્રોરલ લિસ્ટમાં નથી.
સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સ્ટ્રીંગ કમિટીના ચૅરમૅન જી. કે. પિલ્લઈએ કહ્યું હતું કે ‘જે પ્લેયરોએ પોતાનાં નામ રજિસ્ટર્ડ નથી કરાવ્યાં તેઓ પછી પણ પોતાનાં નામ રજિસ્ટર કરાવી શકે છે. જોકે સમયમર્યાદાની અંદર નામ રજિસ્ટર્ડ કરાવનારા પ્લેયર્સ આઇસીએની ચૂંટણીમાં મત આપી શકે છે.’
આઇસીએની ચૂંટણીમાં મત આપવા માટે કપિલ દેવ, રવિ શાસ્ત્રી, બલવિંદર સિંહ સંધુ, પ્રવીણ આમરે, લાલચંદ રાજપૂત, એમએસકે પ્રસાદ, વીરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ, સૈયદ કિરમાની, અનિલ કુંબલે અને રાહુલ દ્રવિડનાં નામ વોટર્સ-લિસ્ટમાં સામેલ છે. આઇસીએની ચૂંટણી ૧૧થી ૧૩ ઑક્ટોબર દરમ્યાન યોજાશે. આ ચૂંટણીમાં આઇસીએના પ્રેસિડન્ટ, સેક્રેટરી, ટ્રેઝરર અને બે સભ્યોની પસંદગી કરવામાં આવશે.

sachin tendulkar sunil gavaskar