આઇપીએલની હરાજીમાં શૉર્ટલિસ્ટ ન થતાં નારાજ થયો શ્રીસાન્ત

13 February, 2021 04:52 PM IST  |  New Delhi | Gujarati Mid day Correspondent

આઇપીએલની હરાજીમાં શૉર્ટલિસ્ટ ન થતાં નારાજ થયો શ્રીસાન્ત

શ્રીસાન્ત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટેની પ્રારંભિક તૈયારી જોરશોરથી શરૂ થઈ ચૂકી છે. ૧૮ ફેબ્રુઆરીએ આઇપીએલની ૧૪મી સીઝન માટે પ્લેયર્સની હરાજી થવાની છે, પણ આ હરાજી પહેલાં ટીમ ઇન્ડિયા માટે રમી ચૂકેલા અને મૅચ-ફિક્સિંગને લીધે પ્રતિબંધનો સામનો કરી ચૂકેલા એસ. શ્રીસાન્ત માટે શરૂઆતના તબક્કામાં જ મુશ્કેલીઓ વધી પડી છે.

આઇપીએલ માટે આ વર્ષે કુલ રજિસ્ટર્ડ થયેલા ૧૧૧૪ પ્લેયર્સમાંથી ૨૯૨ ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ ૨૯૨ પ્લેયર્સમાં શ્રીસાન્તનું નામ ન હોવાથી આ વર્ષે આઇપીએલ રમવાની તેની ઇચ્છા અધૂરી રહી જશે. આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શ્રીસાન્ત રમતો જોવા મળ્યો હતો, જેમાં તેણે ટુર્નામેન્ટની પાંચ મૅચમાં ૪ વિકેટ લીધી હતી. તેના આ પ્રદર્શનને લીધે તે આઇપીએલની કોઈ પણ ફ્રૅન્ચાઇઝીને આકર્ષી શક્યો નહોતો. શ્રીસાન્તે આઇપીએલમાં પોતાની બેઝ પ્રાઇસ ૭૫ લાખ રૂપિયા રાખી હતી. જોકે પોતે કોઈ પણ ફ્રૅન્ચાઇઝી દ્વારા પસંદ ન કરાયો હોવાનો બળાપો તેણે સોશ્યલ મીડિયા પર કાઢ્યો હતો.

અર્જુન તેન્ડુલકર થયો શૉર્ટલિસ્ટ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના દીકરા અર્જુન તેન્ડુલકરને આઇપીએલની ૧૪મી સીઝનની હરાજી માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે. શક્ય છે કે મુંબઈ ઇન્ડિયન્સ તેને ખરીદી શકે છે, કેમ કે એક સમયે સચિન તેન્ડુલકર પણ મુંબઈની ટીમ માટે આઇપીએલમાં રમતો હતો. અર્જુને પોતાની બેઝ પ્રાઇસ ૨૦ લાખ રૂપિયા રાખી હતી. ઑસ્ટ્રેલિયન પ્લેયર માર્નસ લબુશેન અને ટીમ ઇન્ડિયાની નવી દીવાલ ચેતેશ્વર પુજારાને અનુક્રમે એક કરોડ અને ૫૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

કોણ કઈ ક્લબમાં?

રૂપિયાના આધારે સૌથી મોટા બે કરોડ રૂપિયાના વર્ગમાં હરભજન સિંહ, કેદાર જાધવ, ગ્લેન મૅક્સવેલ, સ્ટીવ સ્મિથ સહિત શાકિબ-અલ-હસન, મોઇન અલી, સેમ બિલિંગ્સ, લિયમ પ્લન્કેટ, જેસન રૉય અને માર્ક વુડને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે દોઢ કરોડ રૂપિયાના વર્ગમાં ૧૨ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. એક કરોડ રૂપિયાની ત્રીજી ક્બલમાં હનુમા વિહારી અને ઉમેશ યાદવને જગ્યા મળી છે.

292 - કુલ આટલા પ્લેયર્સને આઇપીએલની ૧૪મી સીઝન માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ૧૬૪ ખેલાડી ભારતીય છે, ૧૨૫ વિદેશી પ્લેયર્સ છે અને શેષ ત્રણ ખેલાડીઓ અસોસિયેટ ટીમ વતી રહેશે.

sports sports news cricket news indian premier league ipl 2021