સૌથી મોટા રણમેદાનમાં આજે ‘રૉયલ’ ટક્કર

27 May, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે ખરાખરીનો જંગ : ગુજરાતની ટીમ રાહ જોઈને બેઠી છે

રાજસ્થાનને બેસ્ટ બૅટર બટલર, બેસ્ટ બોલર ચહલ પર સૌથી વધુ આધાર છે.

અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઇપીએલની સેમી ફાઇનલ સમાન ક્વૉલિફાયર-ટૂ મૅચ રમાશે, જેમાં રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે ખરાખરીનો ખેલ થશે. ૧૫ વર્ષ જૂની આઇપીએલની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ ક્વૉલિફાયર-વનમાં રાજસ્થાનને ૭ વિકેટે હરાવીને સીધી ફાઇનલમાં પહોંચી ગઈ છે અને આજે બન્ને હરીફ ટીમોને લક્ષમાં રાખીને વ્યૂહરચના સાથે રાહ જોઈને બેઠી છે.
બૅન્ગલોરે બુધવારે આ સીઝનની સૌથી મોંઘી ટીમ લખનઉ સુપર જાયન્ટ્સને દિલધડક મુકાબલામાં ૧૪ રનથી હરાવીને આજના મુકાબલામાં પ્રવેશ કર્યો હતો અને લખનઉની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.
રાજસ્થાન પાસે આ સીઝનનો હાઇએસ્ટ રનમેકર જૉસ બટલર (૭૧૮ રન) અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર યુઝવેન્દ્ર ચહલ (૨૬ વિકેટ) છે છતાં ૨૦૦૮ની આ ચૅમ્પિયન ટીમે બૅન્ગલોરના બૅટર્સ વિરાટ કોહલી, ફૅફ ડુ પ્લેસી, રજત પાટીદાર, ગ્લેન મૅક્સવેલ, સુપરસ્ટાર મૅચ-ફિનિશર દિનેશ કાર્તિક તેમ જ અન્ય બૅટર્સ ફાવી ન જાય એની તકેદારી રાખવી પડશે. બીજી તરફ બૅન્ગલોર પાસે સીઝનનો બીજા નંબરનો બેસ્ટ બોલર વનિન્દુ હસરંગા (પચીસ વિકેટ) છે એટલે રાજસ્થાનના બૅટર્સ બટલર ઉપરાંત યશસ્વી જૈસવાલ, સંજુ સૅમસન, દેવદત્ત પડિક્કલ, આર. અશ્વિન અને શિમરન હેટમાયરે હસરંગા તેમ જ હર્ષલ પટેલ, જૉશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજથી ખાસ ચેતવું પડશે.
અમદાવાદના સ્ટેડિયમમાં વધુમાં વધુ ૧.૩૨ લાખ પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે અને આજે તેમની વચ્ચે રાજસ્થાન અને બૅન્ગલોરના ખેલાડીઓએ પ્રચંડ પ્રેશરમાં અને પરિસ્થિતિ પોતાની તરફેણમાં રહેતાં હજારો પ્રેક્ષકોના સપોર્ટ સાથે રમવું પડશે.
મહારાષ્ટ્રમાં ૭૦ લીગ મૅચ રમાયા બાદ પહેલી બે પ્લે-ઑફ કલકત્તામાં રમાઈ અને હવે આજે છેલ્લી પ્લે-ઑફ તથા રવિવારની ફાઇનલ અમદાવાદમાં રમાશે.

 બૅન્ગલોર ક્યારેય ટ્રોફી નથી જીત્યું એટલે એનો ૧૪ વર્ષથી અને સૌપ્રથમ સીઝનની ટ્રોફી જીતનાર રાજસ્થાનને બીજા ટાઇટલનો ૧૩ વર્ષથી ઇન્તેજાર છે. બન્ને ટીમ આજે જીતીને ફાઇનલમાં પહોંચવા કોઈ કસર નહીં છોડે. આજે ‘રૉયલ’ ટક્કર છે, બન્ને ટીમ વચ્ચે ખરાખરીનો ખેલ જોવા મળશે.
રવિ શાસ્ત્રી

4
પાંચમી એપ્રિલે બન્ને ટીમ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં આટલી વિકેટથી બૅન્ગલોરે રાજસ્થાનને હરાવ્યું હતું. દિનેશ કાર્તિકને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો હતો.

29
૨૬મી એપ્રિલે બન્ને ટીમ વચ્ચે પુણેના સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં આટલા રનથી રાજસ્થાને બૅન્ગલોરને હરાવ્યું હતું. રિયાન પરાગ મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.

cricket news ipl 2022 sports news sports