28 February, 2025 07:00 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા
ભારતીય કૅપ્ટન રોહિત શર્મા અને ફીલ્ડિંગ કોચ ટી. દિલીપના દુબઈથી કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા છે. એક વિડિયોમાં બન્ને દુબઈની એક માર્કેટમાં કોઈ પણ સુરક્ષાકર્મી વગર ટોપી પહેરીને ફરતા જોવા મળે છે. દુબઈમાં કોઈ ઓળખશે નહીં એવા વહેમ સાથે મંગળવારે સાંજે હોટેલથી ઊપડેલા બન્ને જણને થોડી જ વારમાં ક્રિકેટ-ફૅન્સ ઓળખી ગયા હતા. એક પછી એક ફૅન્સે ફોન કાઢી સેલ્ફી લેવાનું શરૂ કરતાં રોહિત અને દિલીપે એક શોરૂમમાં એન્ટ્રી કરીને શટર બંધ કરાવવાની ફરજ પાડી હતી. વાઇરલ વિડિયો અનુસાર એક-બે સ્થાનિક સુરક્ષાકર્મીની મદદ લઈને બન્ને અનેક ફૅન્સની ભીડ વચ્ચેથી હોટેલ સુધી હેમખેમ પહોંચ્યા હતા. ભારતીય ટીમે બીજી માર્ચની ન્યુ ઝીલૅન્ડ સામેની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ માટે ગઈ કાલે પ્રૅક્ટિસ-સેશન શરૂ કર્યું હતું.