રાજકોટમાં રિષભની ટીમનું રાજ

18 June, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિરીઝ ૨-૨થી બરોબરીમાં : કાર્તિક-હાર્દિકની ફટકાબાજી પછી અવેશનો ૪ વિકેટનો તરખાટ

રાજકોટમાં રિષભની ટીમનું રાજ

ભારતે ગઈ કાલે રાજકોટમાં પાંચ મૅચવાળી ટી૨૦ શ્રેણીની ચોથી મૅચ ૮૨ રનથી જીતીને સિરીઝ ૨-૨થી લેવલ કરી હતી. હવે આવતી કાલે બૅન્ગલોરમાં નિર્ણાયક મૅચ રમાશે. જોકે ત્યાં વરસાદની આગાહી છે. ૧૭૦ રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકા ૧૬.૫ ઓવરમાં ફક્ત ૮૭ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું જે એનો ટી૨૦માં લોએસ્ટ સ્કોર છે. યોગાનુયોગ સાઉથ આફ્રિકાએ ૨૧૨ રનનો ટી૨૦માંનો પોતાનો હાઇએસ્ટ સ્કોર પણ આ જ સિરીઝમાં નોંધાવ્યો છે. કૅપ્ટન બવુમા (૮ રન) નૉન-સ્ટ્રાઇક એન્ડ પર ડાઇવ મારતાં ઈજા પામ્યો હતો. કોણીની ગંભીર ઇન્જરીને લીધે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. મહેમાન ટીમમાં ડુસેનના ૨૦ રન હાઇએસ્ટ હતા.
ગઈ કાલે બૅટિંગમાં મૅન ઑફ ધ મૅચ દિનેશ કાર્તિક (૫૫ રન, ૨૭ બૉલ, બે સિક્સર, નવ ફોર) અને હાર્દિક પંડ્યા (૪૬ રન, ૩૧ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) તથા બોલિંગમાં અવેશ ખાન (૪-૦-૧૮-૪) સુપરસ્ટાર બોલર હતો. તેણે પોતાનો પર્ફોર્મન્સ અર્પણ કર્યો હતો. ચહલે બે અને હર્ષલ પટેલ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં, ભારતે બૅટિંગ મળ્યા પછી ૬ વિકેટે જે ૧૬૯ રન બનાવ્યા એમાં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા વચ્ચેની પાંચમી વિકેટ માટેની ૬૫ રનની ભાગીદારી સાઉથ આફ્રિકાને ખૂબ ભારે પડી હતી. ઋતુરાજ ગાયકવાડ (૫), શ્રેયસ ઐયર (૪) અને કૅપ્ટન રિષભ પંત (૧૭) સસ્તામાં આઉટ થયા હતા, પણ ઇશાન કિશન (૨૭)નું થોડું ઉપયોગી યોગદાન હતું. અક્ષર પટેલ ૮ અને હર્ષલ પટેલ ૧ રને અણનમ રહ્યા હતા. મહેમાન ટીમ વતી લુન્ગી ઍન્ગિડીએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાએ ગઈ કાલે રબાડા, પાર્નેલ, હેન્ડ્રિક્સના સ્થાને યેન્સેન, (ફરી ફિટ થયેલા) ડિકૉક અને ઍન્ગિડીને ઇલેવનમાં સમાવ્યા હતા.

sports news sports Rishabh Pant rajkot cricket news