વૉર્નરે ઓપનિંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ : પૉન્ટિંગ

10 September, 2019 02:02 PM IST  | 

વૉર્નરે ઓપનિંગ કરવાનું ચાલુ રાખવું જોઈએ : પૉન્ટિંગ

૨૦૦૩ અને ૨૦૦૭માં વર્લ્ડ કપ જીતનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે કહ્યું હતું કે ડેવિડ વૉર્નરે ઓપનિંગ પોઝિશન પર રમવાનું ચાલું રાખવું જોઈએ. વર્લ્ડ કપમાં ૧૫૦ પ્લસની બે ઇનિંગ્સ રમનાર વૉર્નર ઍશિઝ સિરીઝની ૮ ઇનિંગ્સમાં ફક્ત ૭૯ રન બનાવી શક્યો છે.

આ વિશે પૉન્ટિંગે કહ્યું હતું કે ‘યસ, વૉર્નર સ્ટ્રગલ કરી રહ્યો છે. તે ક્વૉલિટી પ્લેયર છે. તેને ઓવલ ટેસ્ટમાંથી ડ્રૉપ કરવામાં આવશે તો પણ તે ઑસ્ટ્રેલિયા પાછો ફરીને રન બનાવવાનું શરૂ કરી દેશે, કારણ કે ઑસ્ટ્રેલિયામાં તેનો રેકૉર્ડ શાનદાર છે. જોકે મને નથી લાગતું કે ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવે.

ઍશિઝ રીટેન કરવી એક વાત છે, પણ હવે ટીમે સિરીઝ જીતવા પર ફોકસ રાખવું જોઈએ. ત્રીજી ટેસ્ટમાં જીત પછી ઇંગ્લૅન્ડના પ્લેયરો અને ફૅન્સ માનતા હતા કે તેમનું પલડું હવે ભારે છે, પણ પ્રવાસી ટીમે ચોથી ટેસ્ટમાં પ્રેશરને સારી રીતે હૅન્ડલ કર્યું એટલે તેઓ જીતવામાં સફળ રહ્યા હતા.’

આ પણ વાંચો:રાશિદની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશ પરાસ્ત, મેળવી ઐતિહાસિક જીત

ઑસ્ટ્રેલિયાની ‘સુપર્બ’ બોલિંગનાં ભારોભાર વખાણ કરતો પૉન્ટિંગ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગે ઍશિઝ સિરીઝમાં પ્રવાસી ટીમની શાનદાર બોલિંગની ભરપૂર પ્રશંસા કરી હતી. ૨૦૦૫ અને ૨૦૦૯માં ઇંગ્લૅન્ડમાં ઍશિઝ સિરીઝ હારનાર પૉન્ટિંગે મીડિયાને કહ્યું હતું કે ‘સ્મિથ અને ટીમના બોલરો બન્ને પ્રશંસાના હકદાર છે. મારા ખ્યાલથી અમારી ટીમ પાસે વધારે લીડ હોવી જોઈતી હતી. સ્મિથ સિવાય બાકીના બૅટ્સમેનોએ રન બનાવવા જોઈતા હતા. બધા સ્મિથની ઇમ્પૅક્ટની વાત કરી રહ્યા છે, પણ બોલિંગ ડિપાર્ટમેન્ટે પણ શાનદાર કામ કર્યું હતું. બોલિંગ-અટૅકમાં ગજબની વિવિધતા છે. પૅટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચલ સ્ટાર્ક અને નૅથન લાયનના અટૅક સામે ઇંગ્લૅન્ડનો અટૅક નબળો છે. અમારા બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી.’

david warner cricket news gujarati mid-day