09 November, 2025 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં ચૅમ્પિયન ભારતીય ટીમ માટે રિચા ઘોષે ફિનિશર અને વિકેટકીપર તરીકે શાનદાર યોગદાન આપ્યું હતું
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં ચૅમ્પિયન ભારતીય ટીમ માટે રિચા ઘોષે ફિનિશર અને વિકેટકીપર તરીકે શાનદાર યોગદાન આપ્યું હતું. બાવીસ વર્ષની આ ક્રિકેટરને સન્માનમાં ગઈ કાલે કલકત્તામાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, બંગાળ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની હાજરીમાં યાદગાર ગિફ્ટ આપવામાં આવી હતી.
રિચાએ ફાઇનલમાં ૩૪ રન કર્યા એ બદલ બંગાળ ક્રિકેટ બોર્ડે તેને ૩૪ લાખ રૂપિયાના ચેક સાથે સોનાનાં બૅટ અને બૉલ ભેટ આપ્યાં હતાં. મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ તાળીઓના ગડગડાટ વચ્ચે રાજ્યનો સર્વોચ્ચ નાગરિક સન્માન બંગ ભૂષણ, ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) તરીકેનો નિમણૂકપત્ર અને સોનાની ચેઇન વ્યક્તિગત રીતે અર્પણ કર્યાં હતાં.
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025ની વ્યુઅરશિપની રેકૉર્ડબ્રેક આંકડાબાજી
3 આટલા લાખ લોકોએ વિમેન્સ વર્લ્ડ કપ સમયે સ્ટેડિયમમાં હાજરી આપી, એ અગાઉની આવૃત્તિઓની સંયુક્ત દર્શકોની સંખ્યા કરતાં પણ વધુ છે.
2.1 આટલા કરોડ દર્શકો હરમનપ્રીત કૌરના અંતિમ શાનદાર કૅચ સમયે ફાઇનલ મૅચ ડિજિટલ પ્લૅટફૉર્મ અને ટીવી પર જોઈ રહ્યા હતા જે હાઇએસ્ટ છે.
9.2 આટલા કરોડ લોકોએ ટીવી પર વિમેન્સ ફાઇનલ મૅચ જોઈ. મેન્સ T20 વર્લ્ડ કપ 2024 અને વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલના આંકડાની બરાબરી કરી.
18.5 આટલા કરોડ લોકોએ ડિજિટલ પ્લૅટફૉર્મ પર વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ મૅચ જોઈ. એણે મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલના રેકૉર્ડની બરાબરી કરી.
44.6 આટલા કરોડ લોકોએ ભારતમાં ડિજિટલ પ્લૅટફૉર્મ પર આખી ટુર્નામેન્ટ જોઈ. એ છેલ્લા ત્રણ વર્લ્ડ કપની સંયુક્ત દર્શકોની સંખ્યા કરતાં વધુનો રેકૉર્ડ છે.
39,555 આટલા દર્શકોએ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ફાઇનલ મૅચ જોવા આવીને વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ દર્શકોની ભીડનો રેકૉર્ડ કર્યો.