ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સામે બદલો લઈશું ટી૨૦ વર્લ્ડ કપમાં : રમીઝ રાજા

22 September, 2021 02:47 PM IST  |  Mumbai | Agency

આ ઘટનાક્રમથી તાજેતરમાં નિયુક્ત થયેલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ રમીઝ રાઝા ખૂબ નારાજ છે અને તેણે આને પાકિસ્તાન સામેનું કાવતરું ગણાવીને બધાને ક્રિકેટના મેદાનમાં જોઈ લેવાની ધમકી આપી છે. 

ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ સામે બદલો લઈશું ટી૨૦ વર્લ્ડ કપમાં : રમીઝ રાજા

ટૂર રદ થતાં નારાજ પાકિસ્તાન ક્રિકેડ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજા કહે છે કે ટી૨૦ વર્લ્ડ કપમાં પહેલાં ભારત અમારા નિશાના પર હતું, હવે આ બન્ને ટીમને પણ અમે જોઈ લઈશું
ન્યુ ઝીલૅન્ડ બાદ ઇંગ્લૅન્ડે પણ પાકિસ્તાનની ટૂર કૅન્સલ કરી દેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે આર્થિક ફટકો પડ્યો છે. આ બન્ને દેશો બાદ બીજા દેશો પણ હવે પાકિસ્તાનની તેમની સિરીઝ વિશે પુનર્વિચાર કરવા લાગ્યા છે. આ ઘટનાક્રમથી તાજેતરમાં નિયુક્ત થયેલો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ રમીઝ રાઝા ખૂબ નારાજ છે અને તેણે આને પાકિસ્તાન સામેનું કાવતરું ગણાવીને બધાને ક્રિકેટના મેદાનમાં જોઈ લેવાની ધમકી આપી છે. 
રમીઝ રાઝાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ઇંગ્લૅન્ડે અમને નિરાશ કર્યા છે. તેઓ જરૂરી સમયે આપેલા વચનથી ફરી ગયા છે અને ક્રિકેટજગતના જ એક સભ્યને નિરાશ કરી દીધો છે. અમે આ આઘાતમાંથી જલદી બહાર આવી જઈશું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે આ એક વૉક-અપ કૉલ છે કે એ દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ બને, જેથી બીજી ટીમો કોઈ પણ બહાનાબાજી કર્યા વગર તેમની સામે રમવા માટે લાઇન લગાવે. હવે અમે ફક્ત અમારા જ હિતનો વિચાર કરીશું. અમે બધી ટીમને અમારી સમજતા હતા અને તેમની આગતાસ્વાગતા કરવા હંમેશાં તત્પર રહેતા હતા. ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ બાદ હવે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ પણ ડાઉટફુલ છે અને ઑસ્ટ્રેલિયાએ તો પુનર્વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. બધા એક થઈ ગયા છે, અમે હવે કોને ફરિયાદ કરીએ?’
રમીઝ રાજાએ છેલ્લે કહ્યું કે ‘અમે હવે ટી૨૦ વર્લ્ડ કપ રમવા જઈશું, જ્યાં પહેલાં અમારી પાડોશી ભારતીય ટીમ અમારો ટાર્ગેટ હતી, પણ હવે એમાં બે વધુ ટીમો ન્યુ ઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડનો ઉમેરો થયો છે. તેઓએ અમને અન્યાય કર્યો છે અને એનો બદલો અમે ક્રિકેટના મેદાનમાં લઈશું.’

sports news sports cricket news