20 June, 2026 05:31 PM IST | Chennai | Gujarati Mid-day Correspondent
ચેપૉક સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ વખતે રોહિત શર્મા કોઈ વાતથી નારાજ જોવા મળ્યો હતો.
અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે મૅચ પહેલાં રોહિત શર્માને લઈને ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ૩૯ વર્ષ ૫૦ દિવસનો રોહિત શર્મા આજે ત્રીજી વન-ડે મૅચ બાદ રિટાયરમેન્ટ જાહેર કરી શકે છે.
અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ અને મૅનેજમેન્ટે ફિટનેસ સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રોહિત શર્માને મહત્ત્વપૂર્ણ મેસેજ આપ્યો છે. ટીમ-મૅનેજમેન્ટ આગામી વન-ડે વર્લ્ડ કપના પ્લાનમાં તેને સામેલ કરી શકશે નહીં એ વાતની સ્પષ્ટતા રોહિત શર્મા સામે કરી દેવામાં આવી છે.
વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ભારતનો વિસ્ફોટક ઓપનિંગ બૅટ્સમૅન રોહિત શર્મા હાલમાં ગોળમટોળમાંથી ફિટ બન્યો હતો. અફઘાનિસ્તાન સામેની પહેલી બે મૅચમાં તેણે ૧૬ રન અને ૪૮ રન કર્યા હતા. ૨૦૨૪માં તેણે T20 અને વર્ષ ૨૦૨૫માં ટેસ્ટ-ફૉર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
વન-ડે ફૉર્મેટમાં રોહિત શર્મા ૨૮૪ મૅચમાં ૪૮.૭૦ની ઍવરેજથી ૧૧,૬૪૧ રન કરી ચૂક્યો છે. રોહિત શર્માએ ૩ ડબલ સેન્ચુરી અને ૪ વખત ૧૫૦ રન સહિત ૩૩ વન-ડે સદી નોંધાવી છે. તેના નામે ૬૧ વન-ડે ફિફ્ટી પણ છે.
પેસ બોલર હર્ષિત રાણાને અફઘાનિસ્તાન સામેની ત્રીજી વન-ડે મૅચ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરીમાં વૉર્મ-અપ મૅચ દરમ્યાન ઘૂંટણની ઇન્જરીને કારણે દિલ્હીનો ૨૪ વર્ષનો હર્ષિત રાણા મેન્સ T20 વર્લ્ડ કપ અને IPL 2026માંથી બહાર થઈ ગયો હતો.
ઘૂંટણની સર્જરીમાંથી સ્વસ્થ થવા માટે હર્ષિત રાણા BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ગયો હતો. તેને ઇન્જર્ડ હાર્દિક પંડ્યાના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પગના સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરનાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ફિટનેસ વિશે હજી કોઈ નવી અપડેટ આપી નથી.
ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સિરીઝની અંતિમ મૅચ રમાશે. ભારતે પહેલી મૅચમાં ૭ વિકેટે અને બીજી મૅચમાં ૧૭૦ રનથી શાનદાર જીત નોંધાવીને સિરીઝ પર કબજો કર્યો હતો. શુભમન ગિલ ઍન્ડ કંપની આજે આ અફઘાની ટીમ સામે ક્લીન સ્વીપના ટાર્ગેટ સાથે ઊતરશે.
૨૦૧૦થી વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ ન્યુ ઝીલૅન્ડે ૧૪ વખત ક્લીન સ્વીપ કરી છે. ભારતે ૧૩ વખત અને સાઉથ આફ્રિકાએ ૧૧ વખત દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી.
ચેપૉક સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન ૨૦૨૩માં બે વન-ડે મૅચ રમ્યું છે એમાંથી એક જીત અને એક હાર મળી છે. આ મેદાન પર ભારત ૧૯૮૭થી ૨૦૨૩ વચ્ચે ૧૫ વન-ડે મૅચ રમ્યું છે એમાંથી ૮ મૅચમાં જીત અને ૬ મૅચમાં હાર મળી હતી.
ભારતે અહીં પોતાની છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયાને ૧૯૯ રને ઢેર કરીને બાવન બૉલ પહેલાં ૨૦૧ રન કરીને ૬ વિકેટે વન-ડે વર્લ્ડ કપની મૅચ જીતી હતી. અફઘાનિસ્તાન વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન અહીં ન્યુ ઝીલૅન્ડ સામે ૧૪૯ રને હાર્યું છે અને પાકિસ્તામ સામે ૮ વિકેટે જીત્યું છે.