સાઉથ આફ્રિકા સામે ન્યુ ઝીલૅન્ડની મહિલાઓએ ૪-૧થી સિરીઝ જીતી

26 March, 2026 03:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મેલી કેરે સતત ૧૧મી T20માં ૩૦+ રનના સ્કોર સાથે પોતાનો જ રેકૉર્ડ તોડ્યો, છેલ્લી મૅચમાં પંચાવન બૉલમાં ૧૦૫ રનની ઇનિંગ્સ સાથે પ્લેયર ઑફ ધ મૅચ અને સિરીઝનો અવૉર્ડ મેળવીને છવાઈ ગઈ

કિવી કૅપ્ટન મેલી કેર સિરીઝમાં કમાલના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે પ્લેયર ઑફ ધ સિરીઝ બની હતી.

ન્યુ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમે ગઈ કાલે પાંચમી અને છેલ્લી T20 મૅચમાં સાઉથ આફ્રિકાને ૯૨ રનથી હરાવીને સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી. પ્રથમ બૅટિંગ કરતાં કિવી ટીમે કૅપ્ટન મેલી કેરની પંચાવન બૉલમાં એક સિક્સર અને ૧૯ ફોર સાથે ૧૦૫ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૪ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકન ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૦૨ રન જ બનાવી શકી હતી. કેરે બોલિંગમાં પણ કમાલ કરતાં ૩ ઓવરમાં માત્ર ૬ રન આપીને બે વિકેટ પણ ઝડપી હતી. કેર પ્લેયર ઑફ ધ મૅચ બની હતી અને સિરીઝમાં હાઇએસ્ટ ૨૭૬ રન અને પાંચ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ પ્લેયર ઑફ ધ સિરીઝ પણ બની ગઈ હતી. 

લગાતાર ૩૦+ રન બનાવનાર ખેલાડીઓ

મેલી કેર    ૧૧ વાર
ચામરી અટાપટ્ટુ    ૯ વાર
રેબેકા બ્લૅક    ૯ વાર
રોહિત શર્મા    ૭ વાર
અભિષેક શર્મા    ૭ વાર

કેરે તેની આ લાજવાબ ઇનિંગ્સ સાથે પોતાનો જ એક રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો હતો. T20માં તેણે સતત ૧૧મી મૅચમાં ૩૦+ રનનો સ્કોર બનાવ્યો હતો. આવું કરનાર તે વિશ્વની પ્રથમ (પુરુષ અને મહિલાઓમાં) ખેલાડી બની ગઈ હતી. ‌તેણે આ જ સિરીઝની ચોથી મૅચમાં ૩૧ રનની ઇનિંગ્સ સાથે T20 ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં સૌથી વધુ (૧૦) મૅચમાં સતત ૩૦+ રનનો રેકૉર્ડ પોતાને નામે કરી લીધો હતો અને ગઈ કાલે એ જ રેકૉર્ડ વધુ મજબૂત કરી લીધો હતો. આ ઉપરાંત તાજેતરમાં જ કેર T20 ઇન્ટરનૅશનલમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન અને ૧૦૦ વિકેટની ડબલ કમાલ કરનાર ખેલાડી બની ગઈ હતી.

new zealand south africa cricket news sports news sports