વાંચો શોર્ટમાં: જાણો શું ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ અને અન્ય સ્પોર્ટ્સમાં

15 June, 2021 03:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ટી૨૦ વર્લ્ડ કપ વિશેનું ફાઇનલ કરવા આઇસીસી તરફથી ભારતીય ક્રિકેટ બોર્ડને ૨૮ જૂન સુધીનો સમય મળ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

ટી૨૦ વર્લ્ડ કપનું ફાઇનલ કરવા ગાંગુલી મુંબઈમાં
આગામી ટી૨૦ વર્લ્ડ કપ વિશેનું ફાઇનલ કરવા આઇસીસી તરફથી ભારતીય ક્રિકેટ બોર્ડને ૨૮ જૂન સુધીનો સમય મળ્યો છે. હવે એ વિશે ફાઇનલ નિર્ણય કરવા અને ભારતીય સરકાર તરફથી ટૅક્સમાં રાહત બાબતે ચર્ચાવિચારણા કરવા ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી મુંબઈ આવી ગયો છે. અહેવાલ પ્રમાણે આ આયોજન બદલ ટૅક્સમાં કોઈ રાહત મળવાની છે કે નહીં એ માટે ભારતીય બોર્ડે ૧૫ જૂન સૂધી આઇસીસીને જણાવવાનું છે અને એ માટે ગાંગુલી મુંબઈ આવ્યો છે. જો આ છૂટ ન મળી તો આઇસીસીને ૯૦૦ કરોડનો બોજ વેઠવો પડશે. જો ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં આયોજન શક્ય ન બન્યું તો પહેલી પસંદગી યુએઈ છે અને બીજી પસંદગી શ્રીલંકા છે. 

કોરોનાના કેર વચ્ચે બ્રાઝિલમાં કોપા અમેરિકાની શરૂઆત
છેલ્લી ઘડી સુધી યજમાનીના ટેન્શન બાદ બ્રાઝિલમાં આખરે રવિવારે કોપા અમેરિકા કપની શરૂઆત થઈ હતી. કોરોનાને લીધે કોલમ્બિયા અને આર્જેન્ટિના યજમાનપદેથી હટી જતાં છેલ્લી ઘડીએ બ્રાઝિલમાં આયોજન કરવાનું નક્કી થયું હતું. જોકે બ્રાઝિલમાં પણ કોરોનાનો પ્રકોપ ફરી વધતાં ટુર્નામેન્ટ શરૂ થશે કે નહીં એ નક્કી નહોતું, પણ આખરે ખાલી સ્ટેડિયમમાં યજમાન બ્રાઝિલે વેનેઝુએલા સામે ૩-૦થી જીત મેળવીને ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. વેનેઝુએલાના આઠ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થતાં છેલ્લી ઘડીએ રિપ્લેસમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

શાનદાર કમબૅક, ૨૦ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા છતાં ૨૮ રનથી જીત
અબુ ધાબીમાં ચાલી રહેલી પાકિસ્તાન સુપર લીગમાં ટી૨૦ ક્રિકેટનું એક યાદગાર કમબૅક જોવા મળ્યું હતું. ઇસ્લામાબાદે માત્ર ૨૦ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ કમાલનું કમબૅક કરીને મૅચ ૨૮ રનથી જીતી લીધી હતી. ઇસ્લામાબાદે ૬.૧ ઓવરમાં ૨૦ રનમાં પહેલા પાંચેય બૅટ્સમેન ગુમાવી દીધા હતા. જોકે ત્યાર બાદ ઇફ્તખાર અહમદ (૪૯) અને આસિફ અલી (૭૫) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપને લીધે ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૫૨ રન બનાવ્યા હતા. ૧૫૩ રનના ટાર્ગેટ સામે લાહોર ૬ ઓવરમાં ૫૫ રન સાથે સારી શરૂઆત કર્યા બાદ ફસડાઈ પડ્યું હતું અને ૧૮.૨ ઓવરમાં ૧૨૪ રન બનાવીને ઑલઆઉટ થઈ ગયું હતું.  

cricket news sports news sports