News in Short: વાંચો ક્રિકેટ, ટૅનિસ અને ફૂટબૉલ સહિતના તમામ સમાચાર

14 June, 2021 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇપીએલ શરૂ થવાને તો હજૂ વાર છે પરંતુ ચેન્નઇની ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના ફિટનેસની ચકાસણી કરવા માટે એક નવો સ્પર્ધક મળ્યો છે

ધોનીએ લગાવી ઘોડા સાથે રેસ

ધોનીએ લગાવી ઘોડા સાથે રેસ
આઇપીએલ શરૂ થવાને તો હજૂ વાર છે પરંતુ ચેન્નઇની ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના ફિટનેસની ચકાસણી કરવા માટે એક નવો સ્પર્ધક મળ્યો છે. ધોનીની પત્ની સાક્ષીએ રાંચીના ફાર્મહાઉસમાં ઘોડા સાથે રેસ લગાવતો ધોનીનો ફોટો શૅર કર્યો છે. વીડીયોની શરૂઆતમાં ધોની આગળ હોય છે પરંતુ ઘોડાએ જોર પકડતા ધોની પાછળ રહી જાય છે.

ઇંગ્લૅન્ડે ૧-૦થી ક્રોએશિયાને હરાવ્યું
સેકન્ડ હાફમાં રહીમ સ્ટર્લિંગે ફટકારેલા ગોલને કારણે વેમ્બલીમાં રમાયેલી યુરો કપની મૅચમાં ઇંગ્લૅન્ડે ક્રોએશિયાને ૧-૦થી હરાવ્યું હતું. આમ ઇંગ્લૅન્ડે ૨૦૧૮ની વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં ક્રોએશિયા સામે મળેલી હારનો હિસાબ પણ ચૂકતે કરી દીધો હતો. સ્ટર્લિંગે મૅચની ૫૭મી મિનિટે ફટકારેલો ગોલ એના કરીઅરનો મહત્ત્વની ટુર્નામેન્ટનો પહેલો ગોલ હતો. આ જીત સાથે ઇંગ્લૅન્ડને ત્રણ પૉઇન્ટ મળ્યા હતા. 

ફ્રાન્સના નિકોલસ માહુટ અને પિયરે હ્યુઝ ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સના ચૅમ્પિયન
નિકોલસ માહુટ અને પિયરે હ્યુઝ હરબર્ટની ફ્રાન્સની જોડીએ ત્રણ સેટમાં જીત મેળવીને બીજી વખત ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટનું મેન્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. શનિવારે ફાઇનલમાં કઝાખસ્તાનના ઍલેક્ઝાન્ડર બુબલિક અને આન્દ્રે ગોલુબેવને ૪-૬, ૭-૬ (૧૦), ૬-૪થી હરાવ્યા હતા. મૅચ બે કલાક અને ૧૧ મિનિટ ચાલી હતી. આ જોડીનું આ પાંચમું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ છે. આ પહેલાં તેઓ ઑસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપન પણ જીતી ચૂક્યા છે.

બેલ્જિયમે રશિયાને ૩-૦થી હરાવ્યું
રોમેલુ લુકાકુના બે ગોલની મદદથી બેલ્જિયમે યુરોપિયન ફુટબૉલ ચૅમ્પિયનશિપની પહેલી મૅચમાં રશિયાને ૩-૦થી હરાવ્યું હતું. લુકાકુએ પોતાનો પહેલો ગોલ કર્યા બાદ ટેલિવિઝન કૅમેરા પાસે ગયો અને પોતાના બન્ને હાથ પકડીને ક્રિસ્ટિયન એરિક્સનને ભાવુક સંદેશ મોકલતાં કહ્યું ‘ક્રિસ, ક્રિસ, આઇ લવ યુ.’ લુકાકુ ઇટલીની ટીમ ઇન્ટર મિલાનમાં એરિક્સનનો સાથી ખેલાડી પણ છે. શનિવારે યુરો કપની મૅચમાં એરિક્સન રમતી વખતે મેદાન પર જ અચાનક ઢળી પડ્યો હતો. દરમ્યાન બેલ્જિયમ તરફથી થૉમસ મુનીરે ૩૪મી મિનિટે બીજો ગોલ કર્યો હતો. લુકાકુએ ૮૮મી મિનિટમાં ત્રીજો ગોલ કરીને બેલ્જિયમની જીત નિશ્ચિત કરી હતી. 

sports news sports cricket news