26 December, 2025 11:51 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
યશ દયાલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ના ફાસ્ટ બોલર યશ દયાલની આગોતરા જામીનઅરજી જયપુરની POCSO કોર્ટે સગીર વયની ટીનેજર સાથેના બળાત્કારના કેસમાં ફગાવી દીધી હતી. આ નિર્ણયથી ઑનલાઇન વ્યાપક આક્રોશ ફેલાયો હતો. પ્રયાગરાજમાં જન્મેલો આ ૨૮ વર્ષનો ક્રિકેટર છેલ્લી બે સીઝનથી બૅન્ગલોર માટે શાનદાર પ્રદર્શન કરીને ચમક્યો હતો.
ક્રિકેટ-ફૅન્સ દ્વારા RCB સમક્ષ તેને તાત્કાલિક ટીમમાંથી દૂર કરવાની માગણી કરવામાં આવી છે. RCBએ છેલ્લી બે સીઝનમાં તેને પાંચ-પાંચ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વર્ષ ૨૦૨૬ની સીઝન માટે પણ RCBએ એટલી રકમમાં તેને ટીમમાં રીટેન કર્યો હતો.
ઘણા ક્રિકેટચાહકોએ BCCI અને IPLને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી યશ દયાલને સસ્પેન્ડ કરવાની વિનંતી કરી હતી. મહિલાઓ સાથેના દુર્વ્યવહારની ફરિયાદ બાદ ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં તેને ઉત્તર પ્રદેશ પ્રીમિયર લીગમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.