૨૩ વર્ષ બાદ રણજીની ફાઇનલમાં પહોંચ્યું મધ્ય પ્રદેશ

19 June, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૨ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુંબઈ સામે થશે ટક્કર, બન્ને ટીમના કોચ ચંદ્રકાંત પંડિત અને અમોલ મજુમદાર પણ મુંબઈ તરફથી અગાઉ રમી ચૂક્યા છે

સ્પિનર કુમાર કાર્તિકેય સાથે વિકેટની ઉજવણી કરતા મધ્ય પ્રદેશના ખેલાડીઓ

બૅન્ગલોર પાસેના અલુરમાં રમાતી રણજી ટ્રોફીની સેમી ફાઇનલ મૅચમાં બંગાળની ટીમને વિજય માટે ૩૫૦ રનની જરૂર હતી, પરંતુ મધ્ય પ્રદેશના ડાબોડી સ્પિનર કુમાર કાર્તિકેયે વેધક બોલિંગનું પ્રદર્શન કરતાં લક્ષ્યાંકના અડધે સુધી જ પહોંચવા દીધું હતું. ટીમ ૨૩ વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી. બીજી તરફ પહેલી ઇનિંગ્સમાં મળેલી લીડના આધારે મુંબઈ ઉત્તર પ્રદેશને પછાડીને ફાઇનલમાં પહોંચ્યું છે. કાર્તિકેયે આઇપીએલમાં મુંબઈ તરફથી પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે કુલ ૬૨.૫ ઓવરમાંની ૩૨ ઓવર નાખી હતી અને ૬૭ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે સમગ્ર ઇનિંગ્સમાં ૧૨૮ રન આપીને કુલ ૮ વિકેટ ઝડપી હતી. 

બંગાળ જે રીતે હાર્યું એનું દુઃખ એને જરૂર થશે. કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરનને (૭૮ રન) પણ તેણે શરૂઆતથી બીટ કર્યો હતો. ઈશ્વરને પણ બચાવ કરવાને બદલે મૅચ જોવા આવેલા નૅશનલ સિલેક્ટરોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતો હતો. બંગાળે ૯૬ રને ૪ વિકેટના સ્કોરમાં ૭૯ રનનો વધારો કર્યો હતો. ૮૩ ઓવર બાકી હતી, પરંતુ મધ્ય પ્રદેશે માત્ર ૨૮.૨ ઓવરમાં જ ખેલ ખતમ કરી નાખ્યો હતો. મધ્ય પ્રદેશના કોચ ચંદ્રકાંત પંડિતે શુક્રવારે લીધેલી મનોજની વિકેટને ટર્નિંગ પૉઇન્ટ ગણાવી હતી. કાર્તિકેય અને રજત પાટીદારે નૅશનલ સિલેક્ટરોને પ્રભાવિત કર્યા હતા. મધ્ય પ્રદેશની ટીમ છેલ્લે ૧૯૯૮-’૯૯ની સીઝનમાં ફાઇનલમાં પહોંચી હતી. 

બીજી તરફ બૅન્ગલોરમાં રમાતી મુંબઈ અને ઉત્તર પ્રદેશ વચ્ચેની અન્ય સેમી ફાઇનલ ભલે ડ્રૉ રહી હોય, પણ પહેલા દિવસથી જ મુંબઈનો દબદબો રહ્યો હતો. મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૩૯૩ રન કરીને ઉત્તર પ્રદેશને માત્ર ૧૮૦ રનમાં ઑલઆઉટ કર્યું હતું અને મોટી લીડ લીધી હતી અને શુક્રવારે બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટે ૪૪૯ રન કર્યા હતા, જેમાં યશસ્વી જયસ્વાલ અને અરમાન જાફરની સદીનો સમાવેશ છે. મુંબઈએ ૪ વિકેટે ૫૩૩ રન કરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બન્ને ટીમ વચ્ચે ૨૨ જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે, જેમાં મુંબઈના કોચ અમોલ મજુમદાર અને મધ્ય પ્રદેશના કોચ ચંદ્રકાંત પંડિત વચ્ચે પણ ટક્કર થશે, જેઓ ભૂતકાળમાં મુંબઈના ખેલાડીઓ રહી ચૂક્યા છે.  

41
મુંબઈની ટીમ આટલી વખત રણજી ટ્રોફી ચૅ​મ્પિયન બની છે. 

sports sports news cricket news ranji trophy mumbai madhya pradesh