૮૬ વર્ષની હારમાળા તૂટશે, આ વર્ષે નહીં રમાય રણજી ટ્રોફી

31 January, 2021 12:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૮૬ વર્ષની હારમાળા તૂટશે, આ વર્ષે નહીં રમાય રણજી ટ્રોફી

પ્રતીકાત્મક તસવીર

દેશની મુખ્ય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી આ વર્ષે ન યોજવાનું ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)એ નક્કી કર્યું છે. ૧૯૩૪-’૩૫માં આ ટુનાંમેન્ટની શરૂઆત થયા બાદ પહેલી વાર આ ટુર્નામેન્ટનું આયોજન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લીધે ૮૬ વર્ષની હારમાળા તૂટશે. જોકે બીસીસીઆઇ સૈયદ મુશ્તાક ટ્રોફી બાદ વિજય હઝારે ટુર્નામેન્ટ અને સિદિયર વિમેન્સ વન-ડે ટુર્નામેન્ટ તેમ જ વિનુ માંકડ અન્ડર-19 ટુર્નામેન્ટનું આયોજન કરશે.

સ્ટેટ બોર્ડ નાખુશ

આ વર્ષે રણજી ટ્રોફી નહીં રમાય એ જાણીને વિવિધ સ્ટેટ અસોસિયએશનના પ્રેસિડન્ટ નાખુશ છે. તેમણે કહ્યું કે ‘અમને પહેલાંથી જ લાગતું હતું કે બીસીસીઆઇ આ વર્ષે રણજી ટ્રોફી સીઝનનું આયોજન નહીં કરે. આ ઘણી દુખદ વાત છે કે આ વર્ષે આ ટુર્નામેન્ટ નહીં રમાય. ભારતીય ક્રિકેટના ચાહકો માટે આ ઘણા માઠા સમાચાર છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે લખેલા પત્રમાં કશે પણ રણજી ટ્રોફી શબ્દ નથી વપરાયો, પણ તેમણે રાજ્યો સાથે ફોન પર કરેલી વાતમાં કહ્યું હતું કે આ વર્ષે રણજી નહીં રમાય.’

જય શાહનો પત્ર

બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે સ્ટેટ અસોસિએશનને લખેલા પત્રમાં કહ્યું કે ‘અમારા માટે એ ઘણું જ મહત્ત્વનું છે અને અમને જણાવતાં આનંદ થાય છે કે અમે સિનિયર વિમેન્સ વન-ડે ટુર્નામેન્ટ અને સાથે-સાથે વિજય હઝારે ટ્રોફી અને ત્યાર બાદ વિનુ માંકડ અન્ડર-19 ટ્રોફીનું આયોજન કરીશું. આ નિર્ણય આપ સૌના સ્થાનિક સીઝન ૨૦૨૦-’૨૧ના મળેલા પ્રતિસાદ બાદ લેવામાં આવ્યો છે. જેમ કે તમે જાણો છો કે આપણે પહેલાંથી જ વધારે સમય ગુમાવી ચૂક્યા છીએ અને સુરક્ષાત્મક પગલાંઓને ધ્યાનમાં રાખીને ક્રિકેટ કૅલેન્ડર તૈયાર કરવું ઘણું અઘરું છે.’

જય શાહે આ સાથે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ઉક્ત ટુર્નામેન્ટની તારીખ, સમય અને જગ્યા પછીથી જણાવવામાં આવશે. ૨૦૨૧ની આઇપીએલ ટુર્નામેન્ટ પણ એપ્રિલમાં શરૂ થવાની છે.

sports sports news cricket news ranji trophy