09 February, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની સીઝનને તેની પહેલી સેમી-ફાઇનલિસ્ટ ટીમ ગઈ કાલે ઉત્તરાખંડ રૂપે મળી હતી. જમશેદપુરમાં આયોજિત ક્વૉર્ટર ફાઇનલ મૅચમાં ઝારખંડને એક ઇનિંગ્સ અને ૬ રને હરાવીને ઉતરાખંડે પહેલી વખત સેમી-ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરી હતી. ઝારખંડે પહેલી ઇનિંગ્સમાં ૮૫ ઓવરમાં ૨૩૫-૧૦નો સ્કોર કર્યો હતો. એની સામે ઉતરાખંડે ૧૨૨.૩ ઓવરમાં તમામ વિકેટ ગુમાવી ૩૭૧ રન ફટકારીને ૧૩૬ રનની લીડ મેળવી હતી.
બીજી ઇનિંગ્સમાં ઝારખંડનો જબરદસ્ત ધબડકો જોવા મળ્યો હતો. ૨૮થી ૪૨ ઓવર દરમ્યાન ઝારખંડે ૩૦ રનની અંદર અંતિમ ૮ વિકેટ ગુમાવી દીધી હતી.બીજી ઇનિંગ્સમાં ઉત્તરાખંડના પેસ બોલર અભય નેગીએ ૪ વિકેટ અને સ્પિનર મયંક મિશ્રાએ પાંચ વિકેટ લીધી હતી. ટોટલ ૮ વિકેટ લીધી હોવાથી મયંક મિશ્રા પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
મુંબઈએ ૧૨૦ અને ૩૭૭ રનનો સ્કોર કરીને કર્ણાટક સામે ૩૨૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. પહેલી ઇનિંગ્સમાં ૧૭૩/૧૦નો સ્કોર કરનાર કર્ણાટકે ત્રીજા દિવસના અંતે ૨૯ ઓવરમાં બીજી ઇનિંગ્સનો સ્કોર ૧૧૩/૨નો કર્યો હતો. કર્ણાટકનો સ્ટાર ઓપનર કે. એલ. રાહુલ ૯૪ બૉલમાં ૭ ફોર ફટકારીને ૬૦ રને રમી રહ્યો છે.
ઇન્દોરમાં મધ્ય પ્રદેશને જીત માટે ૨૯૧ રનનો ટાર્ગેટ મળ્યો છે. જમ્મુ ઍન્ડ કાશ્મીરે પહેલી અને બીજી ઇનિંગ્સમાં અનુક્રમે ૧૯૪ અને ૨૪૮ રનનો સ્કોર કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૧૫૨ રન કરનાર કૅપ્ટન રજત પાટીદારની મધ્ય પ્રદેશની ટીમે ત્રીજા દિવસે બીજી ઇનિંગ્સમાં ૨૮ ઓવરમાં ૮૭ રને પાંચ વિકેટ ગુમાવી દીધી છે. આ ટીમને જીત માટે ૨૦૪ રનની જરૂર છે.
બંગાળ ક્રિકેટ ઍકૅડેમી ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આંધ્ર પ્રદેશ અને બંગાળની મૅચ હજી પહેલી ઇનિંગ્સની રમત પર જ અટકી છે. ૨૯૫ રન કરનાર આંધ્ર પ્રદેશ સામે બંગાળે ૧૪૬ ઓવરમાં ૪૧૮-૬નો સ્કોર કરીને ૧૨૩ રનની લીડ મેળવી છે. બંગાળનો ૨૬ વર્ષનો બૅટર સુદીપ કુમારે ત્રીજા ક્રમે બૅટિંગ માટે આવીને ૪૫૧ બૉલમાં ૨૭ ફોરની મદદથી ૨૧૬ રનની અણનમ ઇનિંગ્સ રમી છે.