રણજી ટ્રોફી સેમી-ફાઇનલના પહેલા જ દિવસે ત્રણ બૅટર્સે સદી ફટકારી

16 February, 2026 01:56 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તરાખંડ સામે કર્ણાટકે બે વિકેટે ૩૫૫ અને જમ્મુ ઍન્ડ કાશ્મીર સામે બંગાળે પાંચ વિકેટે ૨૪૯નો સ્કોર કર્યો

કે. એલ. રાહુલે ૧૪૧ રન કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પચીસમી સદી નોંધાવી હતી.

રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની સેમી ફાઇનલ મૅચની શરૂઆત ગઈ કાલે ધમાકેદાર અંદાજમાં થઈ હતી. બે સેમી-ફાઇનલ મૅચમાં પહેલા દિવસે માત્ર ૭ વિકેટ પડી હતી, પરંતુ રનનો આંકડો ૬૦૦ને પાર ગયો હતો. પહેલી વખત સેમી-ફાઇનલ મૅચ રમી રહેલા જમ્મુ ઍન્ડ કાશ્મીર અને ઉત્તરાખંડને પહેલા જ દિવસની ભૂતપૂર્વ ચૅમ્પિયન્સ ટીમો તરફથી જબરદસ્ત ટક્કર મળી રહી છે. 

જમ્મુ ઍૅન્ડ કાશ્મીર vs બંગાળ 
ફાસ્ટ બોલર આકિબ નબી દાર અને સુનીલ કુમારે બે-બે વિકેટ લઈને મૅચની શરૂઆતમાં જ તરખાટ મચાવ્યો હતો. એક સમયે યજમાન બંગાળે ૮૯ રનના સ્કોર પર ૩ વિકેટ ગુમાવી હતી. એ સમયે ત્રીજા ક્રમે રમી રહેલા સુદીપ કુમારે સદી ફટકારીને ઇનિંગ્સ સંભાળી લીધી હતી. તે ૨૨૭ બૉલમાં ૧૯ ફોર, ૧ સિક્સના આધારે ૧૩૬ રન કરીને અણનમ રહ્યો હતો. પહેલા દિવસે ૭૯.૫ ઓવરની રમતમાં બંગાળે પાંચ વિકેટે ૨૪૯ રન કર્યા હતા એમાં કૅપ્ટન અભિમન્યુ ઈશ્વરને ૪૯ રન અને શાહબાઝ અહમદે ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. 

કર્ણાટક vs ઉત્તરાખંડ 
કર્ણાટક માટે બીજી વિકેટ માટે કે. એલ. રાહુલ અને કૅપ્ટન દેવદત્ત પડિક્કલે ૨૭૮ રનની ભાગીદારી કરીને ૯૦ ઓવરમાં બે વિકેટે ૩૫૫ રન કર્યા હતા. સ્ટાર બૅટર અને ઓપનર કે. એલ. રાહુલે ૨૧૧ બૉલમાં ૧૧ ફોર અને પાંચ સિક્સના આધારે ૧૪૧ રન કરીને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પચીસમી સદી નોંધાવી હતી. કૅપ્ટન દેવદત્ત પડિક્કલ ૧૬ ફોર અને બે સિક્સના આધારે ૨૩૬ બૉલમાં ૧૪૮ રન કરીને અંત સુધી ટકી રહ્યો હતો. ઉત્તરાખંડ માટે ફાસ્ટ બોલર આદિત્ય રાવત બે વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. 

ranji trophy champions ranji trophy kl rahul suniel shetty ahan shetty jammu and kashmir devdutt padikkal bengal karnataka uttarakhand lucknow