પાર્થની પ્રથમ સદી, સ્નેલના સુપર્બ સેવન્ટીએ સૌરાષ્ટ્રને ઉગારી લીધું

01 February, 2023 12:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવમા નંબરના બૅટરે પૂંછડિયાઓની મદદથી પંજાબને આપી ટક્કર : સૌરાષ્ટ્રના ૩૦૩ રન

પચીસ વર્ષનો પાર્થ ભુત આઠમી મૅચ રમી રહ્યો છે. ૭ મૅચમાં તેણે કુલ ૧૪૯ રન જ બનાવ્યા હતા.

રાજકોટમાં ગઈ કાલે રણજી ટ્રોફીની પંજાબ સામેની પાંચ-દિવસીય ક્વૉર્ટર ફાઇનલમાં સૌરાષ્ટ્રએ પ્રથમ દિવસે પહેલા દાવમાં ૩૦૩ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રની ઇનિંગ્સમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા હતા. ૭૭ રનમાં એક વિકેટ હતી, પણ સમયાંતરે વિકેટ પડતાં યજમાન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. એક સમયે ૧૪૭ રનના સ્કોર પર આઠમી વિકેટ પડી હતી, પરંતુ નવમા નંબરના બૅટર પાર્થ ભુતે (૧૧૧ અણનમ, ૧૫૫ બૉલ, ચાર સિક્સર, અગિયાર ફોર)ની ધૈર્યપૂર્વકની અને આક્રમક બૅટિંગથી સૌરાષ્ટ્રની ટીમ મહામુસીબતમાંથી ઊગરી ગઈ હતી.

પાર્થ અને ચેતન સાકરિયા (બાવીસ રન, ૪૯ બૉલ, એક સિક્સર) વચ્ચે નવમી વિકેટ માટે ૬૧ રનની ભાગીદારી થઈ હતી. પાર્થની એનાથી પણ વધુ ચડિયાતી પાર્ટનરશિપ યુવરાજસિંહ ડોડિયા (૧૭ રન, ૫૦ બૉલ, ત્રણ ફોર) સાથે થઈ હતી. તેમણે છેલ્લી વિકેટ માટે ૯૫ રન ટીમના સ્કોરમાં જોડ્યા હતા અને તેમના આ પર્ફોર્મન્સને કારણે જ ટીમનો સ્કોર ૩૦૦ પ્લસ થયો હતો. એ પહેલાં ઓપનર સ્નેલ પટેલે (૭૦ રન, ૧૩૧ બૉલ, અગિયાર ફોર) લાજવાબ ઇનિંગ્સમાં પંજાબના બોલર્સને ખૂબ હંફાવ્યા હતા. તે છેક ૪૬મી ઓવરમાં આઠમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો અને ત્યાર બાદ પાર્થે પરચો બતાવ્યો હતો.

હાર્વિક અને અર્પિતના ઝીરો

ઓપનર હાર્વિક દેસાઈ અને કૅપ્ટન અર્પિત વસાવડાએ ઝીરો પર જ વિકેટ ગુમાવી દીધી હતી. હાર્વિકને બલતેજે અને અર્પિતને માર્કન્ડેએ આઉટ કર્યો હતો.

મયંક માર્કન્ડેની ચાર વિકેટ

મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા પંજાબના સ્પિનર મયંક માર્કન્ડેએ ચાર, પેસ બોલર બલતેજ સિંહે ત્રણ અને બીજા પેસ બોલર સિદ્ધાર્થ કૌલે બે વિકેટ લીધી હતી. રમતના અંતે પંજાબનો સ્કોર વિના વિકેટે ૩ રન હતો. સૌરાષ્ટ્રના બોલર્સ ખાસ કરીને ધર્મેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ડોડિયા, ચેતન સાકરિયા, પાર્થ ભુત પંજાબને આજે કેટલા સ્કોર સુધી સીમિત રાખે છે એના પર મૅચના પરિણામનો આધાર રહેશે. 

આ પણ વાંચો :  સૌરાષ્ટ્રની ટીમ મુંબઈ સામેની ઐતિહાસિક જીતને લીધે જ ક્વૉર્ટરમાં પહોંચી

અન્ય ત્રણ ક્વૉર્ટર ફાઇનલમાં શું બન્યું?

(૧) મુંબઈ અને મહારાષ્ટ્રને બાજુએ મૂકીને ક્વૉર્ટરમાં પ્રવેશનાર આંધ્રએ ઇન્દોરમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન મધ્ય પ્રદેશ સામે રિકી ભુઇના અણનમ ૧૧૩ રનની મદદથી બે વિકેટે ૨૫૯ રન બનાવ્યા હતા.

(૨) કલકત્તામાં બૅડ લાઇટને લીધે ૬૭મી ઓવરમાં રમત પડતી મુકાઈ ત્યારે બેન્ગોલ સામે ઝારખંડ ૧૭૩ રને ઑલઆઉટ થયું હતું.

(૩) બૅન્ગલોરમાં ઉત્તરાખંડ ૧૧૬ રનમાં ઑલઆઉટ થયા બાદ કર્ણાટકે કૅપ્ટન મયંક અગરવાલના ૬૫ નૉટઆઉટ અને રવિકુમાર સમર્થના ૫૪ નૉટઆઉટની મદદથી વિના વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા.

sports news sports cricket news test cricket saurashtra punjab ranji trophy