યશસ્વી સેન્ચુરીનો ‘ચોક્કો’ ચૂક્યો, મધ્ય પ્રદેશે મુંબઈને કાબૂમાં રાખ્યું

23 June, 2022 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરફરાઝ અને મુલાનીની જોડી પર મદાર : બૅન્ગલોરમાં સૂરજદાદા ભાગ્યે જ દેખાયા

અનુભવ અગરવાલ

બૅન્ગલોરમાં વરસાદની તોળાતી સંભાવના વચ્ચે ગઈ કાલે રણજી ટ્રોફીની પાંચ-દિવસીય ફાઇનલ (સવારે ૯.૩૦ વાગ્યાથી લાઇવ)નો આરંભ થયો હતો, જેમાં પહેલાં મુંબઈ (૨૪૮/૫)નું પ્રભુત્વ હતું અને પછી મધ્ય પ્રદેશે વર્ચસ જમાવ્યું હતું. મધ્ય પ્રદેશ માટે ૨૩ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી મોટી મૅચનો સમય આવ્યો છે અને એનો પૂરો લાભ એના બોલર્સે લીધો હતો.

ગઈ કાલે મૅચ દરમ્યાન સૂરજદાદા ભાગ્યે જ દેખાયા હતા.

પૃથ્વી શૉએ ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને એનો ફાયદો ખુદ પૃથ્વી શૉ (૪૭ રન, ૭૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને ઇન-ફૉર્મ બૅટર યશસ્વી જૈસવાલ (૭૮ રન, ૧૬૩ બૉલ, એક સિક્સર, સાત ફોર)ની જોડીએ ઉઠાવ્યો હતો. તેમની વચ્ચે ૮૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. કુલ ૮૭મા રને પેસ બોલર અનુભવ અગરવાલના બૉલમાં પૃથ્વી આઉટ થયો ત્યાર બાદ અરમાન જાફર (૨૬ રન) સાથે યશસ્વીની ૩૩ રનની અને સુવેદ પારકર (૧૮ રન) સાથે ૨૭ રનની નાની ભાગીદારી થઈ હતી. આ સીઝનના સુપરસ્ટાર બૅટર સરફરાઝ ખાન (૪૦ નૉટઆઉટ, ૧૨૫ બૉલ, ત્રણ ફોર) સાથેની ભાગીદારી મજબૂત થઈ રહી હતી ત્યાં તો ૧૮૫ રનના કુલ સ્કોર પર યશસ્વીએ પેસ બોલર અનુભવ અગરવાલના બૉલમાં ગલીમાં યશ દુબેના હાથમાં કૅચઆઉટ થયો હતો. યશસ્વી એ સાથે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત ચોથી સેન્ચુરી ચૂકી ગયો હતો.

યશસ્વી આઉટ થતાં જ ટર્ન
યશસ્વીની વિકેટ મળતાં જ મધ્ય પ્રદેશના બોલર્સ અને ફીલ્ડર્સ નવા જોશમાં આવી ગયા હતા અને તેમણે દિવસની બાકીની ૩૦ ઓવરમાં મુંબઈની ટીમને કાબૂમાં રાખી હતી. યશસ્વીના ગયા બાદ મુંબઈની ટીમ છેલ્લી ૩૦.૨ ઓવરમાં માત્ર ૬૩ રન બનાવી શકી હતી અને એમાં તેમણે ૨૨૮મા રને વિકેટકીપર હાર્દિક તોમોરે (૨૪ રન)ની વિકેટ પણ ગુમાવી હતી.

પ્રારંભિક દિવસની રમતના અંતે સરફરાઝની સાથે શમ્સ મુલાની ૧૨ રને રમી રહ્યો હતો. આ જોડી જો આજે લાંબો સમય ટકશે તો મુંબઈની ટીમ ૪૦૦ની આસપાસનું ટોટલ બતાવી શકશે.
મધ્ય પ્રદેશ વતી અનુભવ અગરવાલ અને સારાંશ જૈનને બે-બે વિકેટ તથા આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમી ચૂકેલા સ્પિનર કુમાર કાર્તિકેયને એક વિકેટ મળી હતી.

sports sports news cricket news ranji trophy madhya pradesh mumbai