ટ્રૅજેડી : રાજસ્થાનના બોલર ચેતન સાકરિયાના પપ્પા કોરોનાનો ભોગ

10 May, 2021 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા દિવસ પહેલાં આઇપીએલમાંથી પૈસા મળતાં ચેતને તરત જ પિતાના ઇલાજ માટે એ ઘરે પણ મોકલાવ્યા હતા

ચેતન સાકરિયા

સૌરાષ્ટ્રના અને આઇપીએલની રાજસ્થાન રૉયલ્સ ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પપ્પા કાનજીભાઈ સાકરિયાનું કોરોનાને કારણે ગઈ કાલે ભાવનગરની હૉસ્પિટલમાં અવસાન થયું હતું. છેલ્લા ઘણા દિવસથી કાનજીભાઈ કોરોનાને કારણે હૉસ્પિટલમાં હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશને પાઠવેલા શોક-સંદેશામાં જણાવાયું હતું કે ‘ચેતન સાકરિયાના પિતાના અવસાનના સમાચાર જાણીને અમે ઘણા દુખી થયા છીએ. તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ.’

૨૨ વર્ષનો ચેતન આ આઇપીએલમાં રાજસ્થાનની ટીમ તરફથી રમ્યો હતો. આ ટુર્નામેન્ટ કોરોનાને કારણે ૪ મેએ અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખવામાં આવી હતી. ચેતને આ ટુર્નામેન્ટમાં ૮.૨૨ રન પ્રતિ ઓવરની ઍવરેજથી ૭ વિકેટ લીધી હતી. લેફટી ફાસ્ટ બોલર ચેતન સૌરાષ્ટ્ર તરફથી ૧૫ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે, જેમાં તેણે કુલ ૪૧ વિકેટ લીધી છે. રાજસ્થાનની ટીમે પણ ચેતન સાકરિયાના પપ્પાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. એક ટ્વીટમાં ટીમે કહ્યું હતું કે ‘કાનજીભાઈ સાકરિયાનું કોરોનાને કારણે નિધન થયું છે. આ દુઃખના સમયે ચેતન અને તેના પરિવારજનોને અમે તમામ સહકાર્ય આપીશું.’

ચેતન સાકરિયાને રાજસ્થાનની ટીમે ૧.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે તેને ટીમ તરફથી એક સપ્તાહ પહેલાં અમુક રકમ આપવામાં આવી ત્યારે ચેતને કહ્યું કે ‘મને મળેલા પૈસા મેં ઘરે મોકલી આપ્યા છે. જે મારા પપ્પાના સારવારમાં કામ આવશે. કેટલાક લોકો કહે છે કે આઇપીએલ બંધ કરી દો. હું તેમને એટલું જ કહેવા માગું છું કે મારા ઘરમાં હાલમાં હું એકલો જ કમાઉં છું. ક્રિકેટ મારી કમાણીનું એકમાત્ર માધ્યમ છે. આઇપીએલમાંથી મળેલા રૂપિયામાંથી હું મારા પિતાની સારી રીતે સારવાર કરી શકીશ. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પપ્પાએ આખી જિંદગી ટેમ્પો ચલાવીને અમારું ઘર ચલાવ્યું છે. આઇપીએલને કારણે મારું જીવન બદલાશે.’

આઇપીએલ રદ થયા બાદ સાકરિયા પીપીઈ કિટ પહેરીને પપ્પાની તબિયત જોવા માટે હૉસ્પિટલ ગયો હતો. જાન્યુઆરીમાં ચેતનના નાના ભાઈએ અગમ્ય કારણસર આત્મહત્યા કરી હતી તેમ જ હવે તેના પપ્પાનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે.

rajasthan royals cricket news sports news ipl 2021