રાહુલની ઓચિંતી ઈજાએ અનેક સમીકરણ બદલ્યાં

24 November, 2021 03:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂર્યકુમાર ટીમમાં, ગિલ મિડલને બદલે કદાચ ઓપનિંગમાં જ રમશે, શ્રેયસનું ડેબ્યુ થઈ શકે ઃ રાહુલ કલકત્તાથી બૅન્ગલોર જતો રહ્યો

રાહુલની ઓચિંતી ઈજાએ અનેક સમીકરણ બદલ્યાં

આવતી કાલે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ (સવારે ૯.૩૦થી) અને એ પછીની મુંબઈની બીજી તથા અંતિમ ટેસ્ટમાંથી ઈજાગ્રસ્ત કે. એલ. રાહુલ બહાર થઈ જતાં ટીમ ઇન્ડિયાની ઇલેવનમાં કેટલાક ઓચિંતા ફેરફારો કરવાનો વખત તો આવી જ પડ્યો, ટીમ-મૅનેજમેન્ટ તથા સિલેક્ટરો વચ્ચેનું નબળું સંકલન પણ છતું થઈ ગયું. કાર્યવાહક કૅપ્ટન અજિંક્ય રહાણે સાથે નવા હેડ-કોચ રાહુલ દ્રવિડે હવે નવેસરથી વ્યૂહરચના બનાવવી પડશે.
એવું જાણવા મળ્યું છે કે રવિવાર ૨૧ નવેમ્બરે કલકત્તામાં ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રીજી ટી૨૦ વખતે જ રાહુલે ટીમ-મૅનેજમેન્ટને ઈજાની વાત કરી હતી અને તે ઘરે પાછો જવા કલકત્તાથી જ બૅન્ગલોર જતો રહ્યો હતો અને તેના સ્થાને ટીમમાં સમાવાયેલો સૂર્યકુમાર યાદવ ટેસ્ટ-પ્લેયરો સાથે કલકત્તાથી કાનપુર આવ્યો હતો.
રાહુલને ડાબી સાથળમાં ઈજા
રાહુલને ડાબી સાથળના સ્નાયુઓમાં ખૂબ દુખાવો ઊપડ્યો હતો. ગઈ કાલે ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં એકમાત્ર રાહુલને બાદ કરતાં બધાએ નેટ-પ્રૅક્ટિસ કરી હતી. રાહુલના સ્થાને ટીમમાં સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. સિલેક્ટરોને આશા છે કે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસની શરૂઆત પહેલાં રાહુલ ફરી ફિટ થઈ જશે.
ગિલને મયંકનો સાથી બનાવાશે?
રોહિત શર્માને આરામ અપાયો હોવાથી આ સિરીઝમાં નથી અને હવે તો રાહુલ પણ નહીં હોય એટલે ઓપનિંગમાં મયંક અગરવાલ સાથે મોટા ભાગે શુભમન ગિલને જ ઓપનિંગમાં મોકલવામાં આવશે. કોહલીની ગેરહાજરીમાં પ્રથમ ટેસ્ટમાં અજિંક્ય રહાણે સુકાન સંભાળી રહ્યો છે અને બે દિવસ પહેલાંની યોજના મુજબ ગિલને મિડલ ઑર્ડરમાં મોકલવાની તૈયારી થઈ હતી, પણ હવે તેને મયંકનો સાથી બનાવવામાં આવશે અને સૂર્યકુમારને મિડલમાં મોકલાશે. ગિલે ગઈ કાલે મયંક સાથે ઓપનિંગમાં પ્રૅક્ટિસ કરી હતી. ટેસ્ટમાં વાઇસ-કૅપ્ટન પુજારા વનડાઉનમાં અને મોટા ભાગે રહાણે ચોથા નંબરે રમશે.
શ્રેયસને ડેબ્યુ કરવા મળશે?
શ્રેયસ ઐયરે પણ ગઈ કાલે પ્રૅક્ટિસ કરી હતી એટલે તેને આવતી કાલે ટેસ્ટમાં ડેબ્યુ કરવા મળે તો નવાઈ નહીં.

10
ભારતીય ટીમમાં હવે આટલાથી વધુ ટેસ્ટનો અનુભવ ધરાવતા ફક્ત ત્રણ પ્લેયર્સ છે; જેમાં રહાણે, પુજારા અને મયંકનો સમાવેશ છે.

sports news sports cricket news