હેડ-કોચ દ્રવિડને મળશે બોલિંગ-કોચ પારસ મ્હામ્બ્રે

18 October, 2021 04:40 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇની હેડ કોચ માટેની જાહેરખબર માત્ર ઔપચારિકતા

રાહુલ દ્રવિડ અને ભારતનો ભૂતપૂર્વ ખેલાડી પારસ મ્હામ્બ્રે

ભારતીય ક્રિકેટના લેજન્ડરી પ્લેયરોમાં ગણાતા અને ‘ધ વૉલ’ તરીકે જાણીતા રાહુલ દ્રવિડે ટી૨૦ વર્લ્ડ કપ પછી ભારતીય ટીમને બે વર્ષ સુધી (૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપના અંત સુધી) કોચિંગ આપવા વિશે બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને મૌખિક રીતે તૈયારી બતાવી દીધી એ પછી બોર્ડ દ્વારા ગઈ કાલે માત્ર એક ઔપચારિકતા માટે ટીમ ઇન્ડિયાના હેડ કોચના હોદ્દાને લગતી અરજીઓ મગાવતી જાહેરખબર આપી હતી જે મુજબ અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૨૬ ઑક્ટોબર છે.

બોર્ડ દ્વારા બૅટિંગ-કોચ, બોલિંગ-કોચ અને ફીલ્ડિંગ-કોચ માટેની અરજી પણ મગાવાઈ છે. બોલિંગ-કોચ તરીકે દ્રવિડના વિશ્વાસુ પારસ મ્હામ્બ્રેનું નામ સૌથી આગળ બોલાય છે.

દ્રવિડ ઇન્ડિયા ‘એ’ અને અન્ડર-19 ટીમને સફળ કોચિંગ આપી ચૂક્યો છે તેમ જ હાલમાં તે નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)નો હેડ છે.

લોઢા કમિટીએ ઘડેલા બંધારણ અનુસાર બીસીસીઆઇની ક્રિકેટ ઍડ્વાઇઝરી કમિટી (સીએસી) બોર્ડની ઍપેક્સ કાઉન્સિલને સત્તાવાર રીતે કોચના નામની ભલામણ કરશે. રવિ શાસ્ત્રીની હેડ કોચ તરીકેની મુદત ટી૨૦ વર્લ્ડ કપ પછી પૂરી થશે. દ્રવિડ હેડ કોચ બનશે તો તેને ૧૪થી ૧૬ જણનો સપોર્ટ સ્ટાફ મળશે.

બીસીસીઆઇ હેડ-કોચ રવિ શાસ્ત્રીને દર વર્ષે ૮.૫ કરોડ રૂપિયા આપે છે. જોકે, દ્રવિડને અેના કરતાં વધુ રકમ ઑફર કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

હેડ-કોચ બનવા કઈ બાબતો જરૂરી?

૧. ઉંમર ૬૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.

૨. ઓછામાં ઓછી ૩૦ ટેસ્ટ અથવા ૫૦ વન-ડે રમ્યા હોવા જોઈએ.

૩. કોઈ નૅશનલ ટીમને બે વર્ષ સુધી કોચિંગ આપ્યું હોવું જોઈએ અથવા કોઈ આઇપીએલ ટીમ, ફર્સ્ટ-ક્લાસ ટીમ, નૅશનલ-એ ટીમના ત્રણ વર્ષ સુધી કોચ રહ્યા હોવા જોઈએ.

૪. બીસીસીઆઇનું લેવલ-થ્રીનું સર્ટિફિકેટ મેળવ્યું હોવું જોઈએ.

sports sports news cricket news rahul dravid