૧૦૦ દિવસના કોચિંગમાં હું ઘણું શીખ્યો : દ્રવિડ

22 February, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેડ-કોચે કહ્યું, ‘હું ટીમને વધુ સારું પર્ફોર્મ કરતી જોવા માગું છું અને યોગ્ય દિશામાં મોકલવાની પણ તીવ્ર ઇચ્છા છે’

રાહુલ દ્રવિડ

ભારતના ક્રિકેટ-લેજન્ડ રાહુલ દ્રવિડે તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પૂરી થયેલી સિરીઝ દરમ્યાન ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકે ૧૦૦ દિવસ પૂરા કર્યા. સવાત્રણ મહિનાની આ સફરમાં તેણે ઉતાર-ચડાવ અને વિવાદો પણ અનુભવ્યા. ભારતે ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝને તમામ ફૉર્મેટમાં હરાવ્યા, પરંતુ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ અને વન-ડેમાં પરાજય જોવો પડ્યો. દ્રવિડે ઑફ-ધ-ફીલ્ડ વિરાટ કોહલીની કૅપ્ટન્સીના વિવાદને સંભાળવો પડ્યો હતો અને હવે અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, વૃદ્ધિમાન સહા તથા ઇશાન્ત શર્મા જેવા પીઢ ખેલાડીઓને ડ્રૉપ કરવામાં આવતાં ટેસ્ટ-ટીમમાં પરિવર્તન લાવવાની યોજના ઘડવી પડી રહી છે.
દ્રવિડે મજાકમાં કહ્યું, ‘આ ૧૦૦ દિવસમાં મને ઘણું નવું શીખવા મળ્યું. મૅચનાં પરિણામોને લઈને હું બહુ સ્ટ્રેસમાં છું જ નહીં. હું તો ટીમને વધુ ને વધુ સારું પર્ફોર્મ કરતી બનાવવા માગું છું. હું ઇચ્છું છું કે ટીમ ઇન્ડિયા યોગ્ય દિશામાં જ આગળ વધે. વન-ડે ફૉર્મેટમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ભારત માટે રિયલિટી ચેક જેવી હતી. ટેસ્ટ ફૉર્મેટમાં જો અમુક બાબતો આપણી ટીમની તરફેણમાં રહી હોત તો પરિણામ જુદાં જ હોત. નસીબનો થોડો સાથ મળવો જોઈતો હતો. ભૂલો તો થાય, પણ હું નવું શીખવામાં અને સુધારો કરવા પર ભાર આપતો હોઉં છું.’

1
ટી૨૦ના રૅન્કિંગ્સમાં ઇંગ્લૅન્ડને હટાવીને ભારત આટલામા નંબરે આવી ગયું છે. પાકિસ્તાન, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા પછીનાં 
ત્રણ સ્થાને છે.

ભારત સામેની શ્રીલંકાની ટી૨૦ ટીમ જાહેર
આગામી ૨૪ ફેબ્રુઆરીએ લખનઉમાં ભારત સામે ત્રણ મૅચની જે ટી૨૦ સિરીઝ શરૂ થશે એ માટે શ્રીલંકાએ ગઈ કાલે ટીમ જાહેર કરી હતી.
ટીમ : દાસુન શનાકા (કૅપ્ટન), પાથુમ નિસન્કા, કુસાલ મેન્ડિસ, ચરિથ અસલન્કા, દિનેશ ચંદીમલ, દાનુશ્કા ગુણથિલકા, કમિલ મિશારા, જનિથ લિયાનાગે, વનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, દુશ્મંથા ચમીરા, લાહિરુ કુમારા, બિનુરા ફર્નાન્ડો, શિરાન ફર્નાન્ડો, મહીશ થીકશાના, જેફરી વેન્ડરસે, પ્રવીણ જયવિક્રમા અને આશિયાન ડૅનિયલ.

sports sports news cricket news rahul dravid