પ્રૅક્ટિસ મૅચઃ ઉમેશની ત્રણ વિકેટ, કૅમેરુન ગ્રીને સદી ફટકારી

08 December, 2020 03:22 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

પ્રૅક્ટિસ મૅચઃ ઉમેશની ત્રણ વિકેટ, કૅમેરુન ગ્રીને સદી ફટકારી

ઉમેશ યાદવ

ઑસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની સિરીઝ પહેલાં ટીમ ઇન્ડિયા-એ ૩ દિવસીય પ્રૅક્ટિસ મૅચ રમી રહી છે. આ મૅચને ફર્સ્ટ ક્લાસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. બીજા દિવસના અંતે ઑસ્ટ્રેલિયા-એની ટીમે ૮ વિકેટે ૨૮૬ રન કર્યા છે. યજમાન ટીમ ઇન્ડિયા-એથી ૩૯ રન આગળ છે. તેમને માટે પાંચમા ક્રમે રમવા આવેલા ઑલરાઉન્ડર કૅમેરુન ગ્રીને ૧૭૧ બૉલમાં ૧૦ ફોર અને ૧ સિક્સરની મદદથી ૧૧૩ રન (નૉટઆઉટ) કર્યા હતા. ભારત માટે ઉમેશ યાદવે સર્વાધિક ૩ વિકેટ લીધી.

ઑસ્ટ્રેલિયન ઓપનર્સ સસ્તામાં પૅવિલિયનભેગા થયા હતા. વીલ પુકોવ્સ્કી ૧ રને અને જો બર્ન્સ ૪ રને ઉમેશના શિકાર થયા હતા. વિકેટકીપર ટિમ પેઇને ૪૫, માર્ક્સ હૅરિસે ૩૫, માઇકલ નેસરે ૩૩ અને નિક મેડિસને ૨૩ રન બનાવ્યા. ભારત માટે ઉમેશ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન અને મોહમ્મદ સિરાજે ૨-૨ વિકેટ લીધી હતી. ઑફ સ્પિનર અશ્વિન આજે ટૉપ પહેરીને બોલિંગ કરતો જોવા મળ્યો હતો. તેના આ વિડિયોઝ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. સિડનીના ડ્રમમોયેન ઓવલ ખાતે ૨૩૭/૮થી દિવસની શરૂઆત કરનાર ઇન્ડિયા-એની ટીમે સ્કોરબોર્ડમાં ૧૦ રન ઉમેરીને ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. કૅપ્ટન અજિંક્ય રહાણે ૧૧૨ રને અણનમ રહ્યો. તેણે ૨૪૨ બોલની ઇનિંગ્સ દરમ્યાન ૧૮ ફોર અને ૧ સિક્સર મારી હતી. ઑસ્ટ્રેલિયા માટે જેમ્સ પેટિનસને ૩ વિકેટ, માઇકલ નેસર અને ટ્રેવિસ હેડે ૨-૨ વિકેટ, જ્યારે જૅક્સન બર્ડ અને માર્ક સ્ટેકેટીએ ૧-૧ વિકેટ લીધી હતી.

sports sports news cricket news umesh yadav