મેં જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લીધા, ખોટા મિત્રો બનાવ્યા અને ક્રિકેટથી ધ્યાન જ ભટકી ગયું હતું

26 June, 2025 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ-કરીઅરમાં થયેલી અધોગતિ વિશે ખુલાસો કરતાં પૃથ્વી શૉ કહે છે...

પૃથ્વી શૉ

પચીસ વર્ષનો ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ હાલમાં મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) સાથે છેડો ફાડવાના કારણે ચર્ચામાં હતો. હાલમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા હતા. એક સમયે ભવિષ્યનો મોટો ક્રિકેટર તરીકે ઓળખાતા પૃથ્વી શૉએ છેલ્લે જુલાઈ ૨૦૨૧માં ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને ૨૦૨૪માં છેલ્લી વાર IPL રમ્યો હતો.

ક્રિકેટ-કરીઅરમાં ખરાબ ફિટનેસ અને અશિસ્તને કારણે ચર્ચામાં રહેલો પૃથ્વી કહે છે, ‘મેં જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લીધા છે. હું પહેલાં ખૂબ પ્રૅક્ટિસ કરતો હતો. હું નેટમાં ૩-૪ કલાક બૅટિંગ કરતો હતો. મને ક્યારેય બૅટિંગ કરવાનો થાક લાગતો નહોતો. હું અડધો દિવસ મેદાનમાં જતો હતો. મેં ક્રિકેટને ઓછો સમય આપવાનું શરૂ કર્યું હતું. એક પારિવારિક સમસ્યા પણ આવી હતી. હું સ્વીકારું છું કે ક્રિકેટથી મારું ધ્યાન ભટકી ગયું હતું. મેં કેટલાક ખોટા મિત્રો બનાવ્યા, કારણ કે હું એ સમયે ટોચ પર હતો. મિત્રતા પણ થઈ પછી તેઓ મને અહીં અને ત્યાં લઈ ગયા. આ બધી બાબતો થઈ પછી હું ટ્રૅક પરથી ઊતરી ગયો.’

સાત વર્ષ દિલ્હી કૅપિટલ્સ માટે રમનાર પૃથ્વીએ આગામી વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL રમવાની અને ભવિષ્યમાં વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરીને ટ્રોફી જિતાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પૃથ્વીના સંઘર્ષના સમયમાં કયા મોટા ક્રિકેટર્સે કર્યો ફોન-મેસેજ? 
આ ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો કે મોટા ક્રિકેટર્સમાંથી માત્ર ભારતીય વિકેટકીપર-બૅટર રિષભ પંતનો જ મને ફોન આવ્યો હતો. મુંબઈના ક્રિકેટર્સ સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને સરફરાઝ ખાન મેસેજ પર વાત કરતા રહેતા હતા. તેનો મિત્ર અર્જુન તેન્ડુલકરના પપ્પા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકરે પણ તેનો સંપર્ક કર્યો હતો. કેટલીક મુલાકાતો દરમ્યાન રોહિત શર્મા, સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સલાહ-સૂચન આપ્યાં હતાં.

prithvi shaw indian cricket team indian premier league world cup test cricket mumbai cricket association cricket news sports news sports