યશસ્વી ભવ: અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની સાતમી વાર એન્ટ્રી

05 February, 2020 01:39 PM IST  |  Potchefstroom

યશસ્વી ભવ: અન્ડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની સાતમી વાર એન્ટ્રી

યશસ્વી જયસ્વાલ

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ગઈ કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી સેમી ફાઇનલ મૅચ રમાઈ હતી જેને ઇન્ડિયન ટીમે ૧૦ વિકેટે જીતી લીધી છે. આ મૅચ જીતીને ઇન્ડિયાએ ફાઇનલમાં પોતાની સીટ કન્ફર્મ કરી લીધી છે. નૉટઆઉટ ૧૦૫ રનની ઇનિંગ રમનાર યશસ્વી જયસ્વાલને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. અન્ડર-૧૯ વર્લ્ડ કપના નૉકઆઉટ રાઉન્ડમાં દસ વિકેટે વિજય મેળવીને ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો હતો. આવી કમાલ કરનાર તે પ્રથમબ્રેક બાદ મેદાનમાં ઊતરેલી ઇન્ડિયન ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ અને દિવ્યાંશ સક્સેનાએ પોતપોતાની બાજી સંભાળીને પાકિસ્તાને આપેલો ૧૭૩ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

યશસ્વીએ ૧૧૩ બૉલમાં ૮ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી નૉટઆઉટ ૧૦૫ રન બનાવ્યા હતા, જ્યારે દિવ્યાંશે ૯૯ બૉલમાં નૉટઆઉટ ૫૯ રન બનાવ્યા હતા. યશસ્વીએ ત્રણ ઓવરમાં ૧૧ રન આપીને એક વિકેટ પણ લીધી હતી. આ બન્ને ઓપનરોએ રમેલી જબરદસ્ત પારીને લીધે ઇન્ડિયાએ આ સેમી ફાઇનલનો મુકાબલો ૧૦ વિકેટે જીતી લીધો હતો. જયસ્વાલ અને સક્સેના વચ્ચે થયેલી ૧૭૬ રનની પારી અન્ડર-૧૯ વર્લ્ડમાં પહેલી વિકેટ માટે થયેલી સૌથી મોટી પાર્ટનરશિપ બની રહી હતી. યશસ્વીએ સિક્સર ફટકારીને પોતાની સેન્ચુરી પૂરી કરી હતી અને એ જ સિક્સર વડે તે મૅચ ફિનિશર બન્યો હતો

પાકિસ્તાને ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. ૯ રનના સ્કોર પર પાકિસ્તાને પહેલી વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર અને કૅપ્ટન રોહેલ નઝીરે સૌથી વધુ ૬૨ રન બનાવ્યા હતા, જ્યારે ઓપનર હૈદર અલી બાવન રન બનાવીને આઉટ થયો હતો. આ બન્ને પ્લેયરો સિવાય એકમાત્ર મોહમ્મદ હૅરિસ ૨૧ રન બનાવી શક્યો હતો. આ ત્રણ પ્લેયર ઉપરાંત પાકિસ્તાનના સાત પ્લેયર ૧૦ રનનો આંકડો પણ પાર કરી શક્યા નહોતા. ઇન્ડિયા વતી સુશાંત મિશ્રાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ૧૧૮ રનમાં ચાર વિકેટે બૅટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ શાનદાર ફૉર્મમાં રમી રહી હતી અને સારો સ્કોર ઊભો કરશે એવું લાગી રહ્યું હતું, પણ ભારતીય બોલરોએે છેલ્લી ૬ વિકેટ લઈને માત્ર ૨૬ રન ફા‍ળવ્યા હતા અને પાકિસ્તાનને ૪૩.૧ ઓવરમાં માત્ર ૧૭૨ રને ઑલઆઉટ કરી દીધું હતું.

ટુર્નામેન્ટમાં અમારા બોલરનું પ્રદર્શન બેસ્ટ રહ્યું છે : ગર્ગ

અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન પ્રિયમ ગર્ગે ટીમને મળેલી જીત બાદ પ્લેયરોની ખાસ કરીને બોલરોની પ્રશંસા કરી છે. ગર્ગે ટુર્નામેન્ટમાં ટીમના બોલરોના પ્રદર્શનને બેસ્ટ ગણાવ્યું હતું. આ વિશે વાત કરતાં ગર્ગે કહ્યું હતું કે ‘જે ટાર્ગેટ આ ટુર્નામેન્ટમાં અમારે હાંસલ કરવો છે તેનાથી અમે માત્ર એક કદમ દૂર છીએ. અમારા બોલરોએ આ ટુર્નામેન્ટમાં ઘણું સારું પર્ફોર્મ કર્યું છે. વળી ઓપનરો જે પ્રમાણે ગેમ રમ્યા છે એ પ્રમાણેની ઘટના પણ પહેલી વાર બની છે. બન્ને એક જ રાજ્યમાંથી આવે છે અને એકબીજાને સારી રીતે સમજે પણ છે. ટીમ માટે આ ઘણી સારી વાત છે. મારું કૅપ્ટન તરીકે ફોકસ એ જ રહેશે કે ફાઇનલ મૅચને પણ અન્ય મૅચની જેમ ટ્રીટ કરીએ.

અન્ડર-૧૯ વર્લ્ડ કપની બીજી સેમી ફાઇનલ આવતી કાલે બંગલા દેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે અને આ બન્ને ટીમમાંથી જે ટીમ વિજેતા બનશે એ ટીમ ૯ ફેબ્રુઆરીએ ભારત સામે ફાઇનલમાં ટકરાશે.

યશસ્વી જયસ્વાલનું કયું સપનું પૂરું થયું?

અન્ડર-૧૯ વર્લ્ડ કપની પહેલી સેમી ફાઇનલમાં યશસ્વી જયસ્વાલે નૉટઆઉટ ૧૦૫ રનની પારી રમીને ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડી હતી. જોકે આ ઇનિંગ રમતાં તેનું વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારવાનું સપનું પૂરું થયું હતું. મૅચ પત્યા બાદ વાત કરતાં યશસ્વીએ કહ્યું કે ‘મારું સપનું પૂરું થયું છે. મારા દેશ માટે મેં જેકંઈ કર્યું છે એનાથી હું ઘણો ખુશ છું, જેને શબ્દોમાં વર્ણવી નથી શકતો. હું એ વાત ક્યારેય નહીં ભૂલી શકું મેં વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સેન્ચુરી ફટકારી છે. મારા માટે આ શરૂઆત છે. મારે આગળ ભવિષ્યમાં પણ ઘણી મહેનત કરવી છે. હું અને સક્સેના એ જ વાત કરતા રહેતા હતા કે અમારે પિચ પર જળવાઈ રહેવું છે. ટીમ માટે અમને જે લોકોનો સપોર્ટ મળ્યો છે તેમનો હું આભાર માનું છું. ફાઇનલમાં પણ અમે અમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરીશું.’

india pakistan u-19 world cup t20 world cup cricket news sports news