એમએસ ધોની પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ રૈનાને પણ લખ્યો પત્ર

21 August, 2020 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એમએસ ધોની પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેશ રૈનાને પણ લખ્યો પત્ર

સુરેશ રૈના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ 15 ઓગસ્ટે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તેની થોડીક જ ક્ષણોમાં સુરેશ રૈના (Suresh Raina)એ પણ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રૈનાની રમતની પ્રશંસા કરતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ લખ્યો છે. આ પત્ર રૈનાએ ટ્વીટર પર શેર કર્યો છે. મોદીએ રૈનાની બેટિંગ અને ફિલ્ડિંગ સ્કિલ્સની પ્રશંસા કરી કરી છે. 2011નો વર્લ્ડ કપ જીતવામાં તેમનું મહત્વનું યોગદાન છે, તેમ પણ કહ્યું છે. ત્યારે રૈનાએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલો પત્ર ટ્વીટર પર શૅર કરતા સુરેશ રૈનાએ લખ્યું છે કે, મારા જેવા ખેલાડીઓ મેદાન પર દેશ માટે લોહી-પરસેવો વહેવડાવે છે. જ્યારે તેમની દેશના લોકો તરફથી અને ખાસ કરીને વડાપ્રધાન તરફથી પ્રશંસા કરવામાં આવે છો તો આનાથી વિશેષ કંઈ ન હોઈ શકે.

સુરેશ રૈનાના આ પત્રમાં વડાપ્રધાને લખ્યું છે કે, 15 ઓગસ્ટે તમે નિવૃતીની જાહેરાત કરી. આ જીવનના સૌથી મુશ્કેલ નિર્ણયોમાંથી એક છે. જોકે તમારી અંદર હજી પણ તેટલી જ ઉર્જા છે. મેદાન પર જોરદાર ઈનિંગ રમ્યા પછી તમે જીંદગીની બીજી એક ઈનિંગ માટે પેડ પહેરી રહ્યાં છો. તમે મુરાદનગરથી લખનઉ અને પછી ટીમ ઈન્ડિયા સુધીની શાનદાર સફર કરી. તમે એક સારા બેસ્ટમેન ઉપરાંત સારા બોલર પણ હતા. T-20 જેવા મુશ્કેલ ફોર્મેટમાં પણ તમારી સફળતા યાદ રાખવામાં આવશે. 2011ના વર્લ્ડ કપની જીતમાં તમારા યોગદાનને દેશ હમેશાં યાદ રાખશે. ઓસ્ટ્રેલિયાની સામે અમદાવાદના મોટેરામાં ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. મેં તમારી તે જોરદાર ઈનિંગ જોઈ હતી. હું નસીબદાર છું કે, મેં તમારી તે ઈનિંગ અને ક્લાસિક કવર ડ્રાઈવ જોયા.

એટલું જ નહીં, વડાપ્રધાને સુરેશ રૈનાના મેદાનની બહારના યોગદાનને પણ યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ખેલાડીને માત્ર મેદાનમાં જ નહીં પરંતુ તેમના મેદાનની બહાર કરવામાં આવેલા કામો માટે પણ યાદ કરવામાં આવે છે. તે યુવાઓ માટે મિસાલ બનશે. કારકિર્દીમાં તમારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. જોકે તમે હિંમ્મતથી તેનો સામનો કર્યો. તમે ટીમ અને દેશનું નામ રોશન કર્યું. મહિલા સશિક્તિકરણ અને સ્વચ્છ ભારત અભિયાનમાં તમે સહયોગ આપ્યો. પ્રિયંકા(પત્ની), ગ્રેસિયા અને રિયો(બાળકોના નામ)ની સાથે ખુશખશાલ જીવન વ્યતીત કરો. દેશને યોગદાન આપવા બદલ ધન્યવાદ.

વડાપ્રધાનના આ પત્રથી સુરેશ રૈના બહુ જ ખુશખુશાલ છે.

sports sports news cricket news suresh raina narendra modi