બૉલ સ્પિન થતાં બધા રડવાનું શરૂ કરી દે છે

01 March, 2021 12:53 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

બૉલ સ્પિન થતાં બધા રડવાનું શરૂ કરી દે છે

અમદાવાદમાં ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મૅચ બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ હતી અને એ બે દિવસમાં કુલ ૩૦ વિકેટ પડી ગઈ હતી જેમાંથી સ્પિનરોના ખાતામાં ૨૭ વિકેટ આવી હતી. આ મૅચ પતી ગઈ હોવા છતાં એ પિચ પર અનેક પ્રકારની ટીકા-ટિપ્પણ કરવામાં આવી રહી હતી, પણ પિચ-ક્યુરેટરમાંથી દિગ્ગજ સ્પિનર સુધીની સફર કરનાર ઑસ્ટ્રેલિયાના નૅથન લાયને અમદાવાદની આ પિચનો બચાવ કરી આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે. નૅથનના મતે બૉલ સ્પિન થતાં સૌકોઈ રડવાનું શરૂ કરી દે છે.

શું કહ્યું નૅથને ?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચનો બચાવ કરતાં નૅથન લાયને કહ્યું કે ‘અમે દુનિયાભરમાં ફાસ્ટ બોલિંગને અનુરૂપ હોય એવી પિચ પર રમતા હોઈએ છીએ અને ૪૭, ૬૦ રને આઉટ થઈ જતા હોઈએ છીએ. એ વખતે પિચ માટે કોઈ કંઈ બોલતું નથી, પણ જેવો બૉલ સ્પિન થવાનું શરૂ થઈ જાય છે ત્યારે દુનિયાભરના લોકો જાણે રડવાનું શરૂ કરી દે છે. મને આ વાત સમજમાં નથી આવતી. મને તો પિચમાં કોઈ તકલીફ ન લાગી?’

ક્યુરેટરને લઈ જવું છે સિડની

ઉલ્લેખનીય છે કે નૅથન લાયને પોતે એક પિચ-ક્યુરેટર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી અને આજે તે ૩૯૯ ટેસ્ટ-વિકેટ લઈને મહાન સ્પિનરમાં પોતાનું નામ ધરાવે છે. અમદાવાદની પિચના ક્યુરેટરનાં વખાણ કરતાં ઑસ્ટ્રેલિયન સ્પિનરે કહ્યું કે ‘હું આખી રાત મૅચ જોઈ રહ્યો હતો. એ ઘણી શાનદાર મૅચ હતી. હું એ ક્યુરેટરને સિડની લઈ જવાનો વિચાર કરી રહ્યો છું. એ ટેસ્ટ મૅચની સર્વશ્રેષ્ઠ વાત એ હતી કે ઇંગ્લૅન્ડ ચાર ફાસ્ટ બોલર્સ સાથે મેદાનમાં ઊતર્યું હતું અને મારા માટે એટલું જ બસ છે. મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી રહેતી.’

પિચ પર દોષારોપણનો કોઈ અર્થ નથી : ઇંગ્લૅન્ડના બૅટિંગ-કોચ જોનાથન ટ્રોટ

મોટેરાની પિચ બૅટ્સમેનો માટે સરળ નહોતી, પણ ઇંગ્લૅન્ડના બૅટિંગ-કોચ જોનાથન ટ્રોટનું માનવું છે કે પ્લેયર્સે પિચની આલોચના કરવા કરતાં પોતાની ટૅલન્ટ પર વધારે ધ્યાન આપવું જોઈએ. પિન્ક બૉલ ટેસ્ટમાં મહેમાન ઇંગ્લૅન્ડ ટીમે ૧૦ વિકેટે હારનોસામનો કરવો પડ્યો હતો. ઇંગ્લૅન્ડે પહેલી ઇનિંગમાં ૧૧૨ અને બીજી ઇનિંગમાં ૮૧ રન બનાવ્યા હતા.

પિચ આસાન નહોતી

એક વર્ચ્યુઅલ પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રોટે કહ્યું કે ‘મને લાગે છે કે આ પિચ પર રમવું સૌકોઈ માટે ક્યારેક ને ક્યારેક અઘરું હોય છે. પિચ સૂકી હતી અને આપણને ભારતમાં એવી જ પિચ જોવા મળે છે માટે જો અમે વધારે રન કરી શક્યા હોત તો ભારત પર દબાણ લાવી શક્યા હોત. અમે બોલિંગ સારી કરી હતી માટે તેમને પણ ઓછા સ્કોરમાં અટકાવી દીધા હતા.’

પોતાના પગ પર જ મારશો કુહાડી

પોતાની વાત આગળ વધારતાં ઇંગ્લૅન્ડના બૅટિંગ-કોચે કહ્યું કે ‘અમે પોતે વધારે સારું શું કરી શક્યા હોત એના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે. દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી. જો પહેલી ઇનિંગમાં અમે ૨૦૦-૨૫૦ રન બનાવ્યા હોત તો પરિણામ કંઈક અલગ હોત અને બીજી ઇનિંગમાં બૅટિંગ કરવાના સમયે માનસિકતા પણ કંઈક અલગ જ હોત. મારા ખ્યાલથી પિચને દોષ આપવું એ પોતાના પગ પર જ કુહાડી મારવા જેવું છે. હા, બૉલ સ્પિન થઈ રહ્યો હતો અને ઝડપથી આવી રહ્યો હતો, પણ પિચ બન્ને ટીમ માટે એકસરખી જ હતી. તમે હંમેશાં બૅટ અને બૉલ વચ્ચે સારો મુકાબલો થતો જોવા માગો છે. સ્વાભાવિક રીતે આ મૅચમાં બોલરોનો દબદબો રહ્યો હતો, પણ હવે જોઈએ છેલ્લી ટેસ્ટ મૅચમાં શું થાય છે.’

સારી રીતે કરીશું કમબૅક 

ચાર ટેસ્ટ મૅચની સિરીઝમાં સતત બે ટેસ્ટ મૅચ હારી ચૂકેલા ઇંગ્લૅન્ડને ભારત ચોથી ટેસ્ટમાં પણ હરાવીને ૩-૧થી સિરીઝ કબજે કરવા માગશે. સામા પક્ષે ઉપરાઉપરી બે ટેસ્ટ મૅચમાં મળેલી હાર સંદર્ભે ટ્રોટનું કહેવું છે કે ‘અલગ-અલગ દેશ, અલગ-અલગ પરિસ્થિતિ ટેસ્ટ ક્રિકેટને પ્રબળ બનાવે છે. હા, છેલ્લી બે મૅચ અમારા માટે નિરાશાજનક રહી છે એ સ્વાભાવિક વાત છે અને એનાથી ટીમના મૂડ પર પણ અસર પડે છે. બે ટેસ્ટ હારી જવાથી તમારી ટીમ ખરાબ નથી બની જતી. હા, એ પરાજયથી દુ:ખ થાય છે, પણ અમે અંતિમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરીને સિરીઝમાં કમબૅક કરી શકીશું.’

sports sports news cricket news motera stadium