રોહિત, અશ્વિન, અક્ષરની આગેકૂચ

01 March, 2021 12:58 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

રોહિત, અશ્વિન, અક્ષરની આગેકૂચ

ઇંગ્લૅન્ડ સામેની પિન્ક ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ૬૬ અને બીજી ઇનિંગમાં અણનમ ૨૫ રન કરી ઓપનર રોહિત શર્માએ આઇસીસી ટેસ્ટ બૅટ્સમેનોના રૅન્કિંગ્સમાં જમ્પ મારી ટૉપ-10માં જગ્યા બનાવી લીધી છે.

પિન્ક બૉલ ટેસ્ટમાંના પોતાના પ્રદર્શનને લીધે હિટમૅન રોહિત શર્મા ૬ સ્થાન ઉપર આવીને આઠમા ક્રમે પહોંચી ગયો છે. ૭૪૨ના રેટિંગ સાથે તે કરીઅરના બેસ્ટ રૅન્કિંગ્સ પર પહોંચ્યો છે. તેની સાથે ટૉપ-10માં પાંચમા ક્રમે ૮૩૬ના રેટિંગ સાથે વિરાટ કોહલી અને ૭૦૮ના રેટિંગ સાથે ચેતેશ્વર પુજારા ૧૦મા ક્રમે સ્થાન ધરાવે છે.

બોલિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરવાને લીધે રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલને પણ બોલર્સના આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં લાભ મળ્યો છે. અનુભવી અશ્વિને પિન્ક બૉલ ટેસ્ટમાં ૭ વિકેટ લીધી હતી જેને લીધે આઇસીસી ટેસ્ટ રૅન્કિંગ્સમાં તે ચોથાથી ત્રીજા ક્રમે પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે ૮૨૩ છે. આ યાદીમાં ઑસ્ટ્રેલિયાનો પૅટ કમિન્સ અને ન્યુ ઝીલૅન્ડનો નીલ વેગનર અનુક્રમે ૯૦૮ અને ૮૨૫ના રેટિંગ સાથે પહેલા અને બીજા ક્રમે છે. ૧૧ વિકેટ લઈને મૅન ઑફ ધ મૅચ બનનાર ગુજરાતી પ્લેયર અક્ષર પટેલ ૪૬૯ના રેટિંગ સાથે ૩૮મા ક્રમે પહોંચી ગયો છે. ઇંગ્લૅન્ડનો સ્પિનર જૅક લીચ પણ પહેલી વાર ટૉપ-30માં પહોંચીને ૨૮મા ક્રમાંકે પહોંચવામાં સફળ થયો છે, જ્યારે કૅપ્ટન જો રૂટ પાંચ વિકેટ લઈને ૧૬ સ્થાનનો જમ્પ મારીને ૭૨મા ક્રમે આવી પહોંચ્યો છે.

sports sports news cricket news rohit sharma ravichandran ashwin axar patel