પાટીદાર લગ્ન મોકૂફ રાખીને આઇપીએલમાં રમવા આવ્યો છે

27 May, 2022 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૅન્ગલોરના બૅટરને હરાજીમાં કોઈએ લીધો જ નહોતો : ખરા સમયે ફટકારી સેન્ચુરી

પાટીદાર લગ્ન મોકૂફ રાખીને આઇપીએલમાં રમવા આવ્યો છે

બુધવારે કલકત્તામાં લખનઉ સુપર જાયન્ટ્સ સામેની એલિમિનેટરમાં અણનમ ૧૧૨ રન ફટકારીને અને આઇપીએલની આ સીઝનમાં નોંધાયેલી સાતમી સેન્ચુરીનો હકદાર બનીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને પહેલી ટ્રોફીની લગોલગ પહોંચાડનાર મધ્ય પ્રદેશનો રજત પાટીદાર પોતાનાં લગ્ન મુલતવી રાખીને આઇપીએલમાં રમવા આવ્યો છે.
તેને ફેબ્રુઆરીની હરાજીમાં એક પણ ટીમે ન લીધો એટલે તેના પરિવારે નક્કી કર્યું હતું કે આઇપીએલ પછી ડોમેસ્ટિક ક્રિકેટમાં રજતે રમવું પડશે એટલે તેણે નક્કી થયેલાં લગ્ન કરી લેવાં જોઈએ. જોકે બૅન્ગલોરની ટીમનો લવનીથ સિસોદિયા ઈજા પામતાં બૅન્ગલોરના ફ્રૅન્ચાઇઝીએ રજત પાટીદારને પોતાની ટીમમાં સમાવ્યો હતો. બુધવારની સેન્ચુરી પહેલાં તેણે ૬ મૅચમાં એક જ હાફ સેન્ચુરી ફટકારી હતી અને કુલ ૧૬૩ રન બનાવ્યા હતા એટલે તેને પ્લે-ઑફના મુકાબલામાં રમવાની તક મળશે એ પણ નક્કી નહોતું. જોકે બુધવારે રમવાનો મોકો મળ્યો અને કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી ઝીરોમાં પૅવિલિયનભેગો થઈ જતાં તેમ જ વિરાટ કોહલી માત્ર પચીસ રન બનાવીને પાછો જતો રહેતાં પાટીદાર પર મોટો બોજ આવી પડ્યો હતો અને તેણે સમજદારી તથા હિંમતથી રમીને બૅન્ગલોરને ૨૦૭/૪નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. જવાબમાં લખનઉની ટીમ ૧૯૩/૬ના સ્કોર સાથે ફક્ત ૧૪ રનથી હારી ગઈ હતી. પાટીદારે લખનઉના ડેન્જરસ બૅટર માર્કસ સ્ટૉઇનિસનો કૅચ પણ પકડ્યો હતો.
રજત પાટીદાર રતલામની છોકરી સાથે લગ્ન કરવાનો છે. એ માટે જુલાઈમાં સમારંભ યોજવા પરિવારે હોટેલમાં જગ્યા પણ બુક કરાવી રાખી હતી, પરંતુ એ રદ કરવો પડ્યો અને હવે તે જુલાઈમાં પરણશે.
જૂનમાં મધ્ય પ્રદેશે પંજાબ સામે રણજીની ક્વૉર્ટર ફાઇનલમાં રમવાનું છે અને પાટીદાર મધ્ય પ્રદેશની ટીમનો ખેલાડી છે.

હું ડેથ ઓવરથી ક્યારેય ડરતો નથી : હર્ષલ પટેલ

બુધવારે લખનઉ સામે બૅન્ગલોરને જિતાડવામાં મહત્ત્વનું યોગદાન આપનાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલે (૪-૦-૨૫-૧) ગઈ કાલે કહ્યું હતું કે ‘મને ડેથ ઓવર્સની જવાબદારી સોંપાઈ હતી. અમારી ટીમે ૧૮ બૉલમાં ૩૫ રન ડિફેન્ડ કરવાના હતા એટલે એ તબક્કે હું નર્વસ તો હતો જ. જોકે મેં મારી પહેલી બે ઓવરને યાદ કરી જેના પરથી મારામાં ઘણી હિંમત આવી હતી. ખરેખર તો હું ડેથ ઓવરથી ક્યારેય ડરતો નથી. ૨૦મી નિર્ણાયક ઓવર પણ કરવાની આવી અને એમાં મેં લખનઉને ન જીતવા દીધું એનો મને બેહદ આનંદ છે.’

sports news sports cricket news ipl 2022