પંત પહેલી પસંદગી છે એમ કહેનાર સહાને વખાણ્યો પાકિસ્તાની ક્રિકેટરે

24 May, 2021 03:53 PM IST  |  Lahore | Agency

ભારતીય વિકેટકીપરના આ સ્ટેટમેન્ટ પર પાકિસ્તાનનો સલમાન બટ આફરીન

રિષભ પંત

ઇંગ્લૅન્ડમાં રમાનારી ટેસ્ટ સિરીઝમાં રિષભ પંત પહેલી પસંદગી હશે એવા ભારતીય વિકેટકીપર વૃદ્ધિમાન સહાના સ્ટેટમેન્ટને પાકિસ્તાનના ક્રિકેટરે વખાણ્યું છે તેમ જ આને ભારતીય પદ્ધતિમાં રહેલા પ્રોફેશનલ અપ્રોચના પ્રતિબિંબ સમાન ગણાવ્યું હતું. બટે પોતાની યુટયુબ ચૅનલમાં શરૂ કરેલા એક વિડિયોમાં કહ્યું હતું કે ‘જ્યારે તમે એક સાચા પ્રોફેશનલ હો ત્યારે જ આવી વાત કહી શકો. આ વાત કહેવી એટલી સહેલી નથી.  હું સહાને ઓળખું છું. અમે બન્ને આઇપીએલની પહેલી સીઝનમાં કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી રમ્યા હતા.’

સહાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પંત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની કેટલીક મૅચ રમ્યો છે. તેણે એમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ઇંગ્લૅન્ડમાં એ જ અમારી વિકેટકીપર તરીકેની પહેલી પસંદગી હશે.’ 

બટે કહ્યું હતું કે ‘આ વાત ભારતીય ક્રિકેટ માટે ઘણી સકારાત્મક છે, કારણ કે કોઈ ખેલાડી અસલામતી નથી અનુભવતો. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે તમે ટીમ માટે શું સારું છે એ કહી શકો.’   

cricket news sports news sports wriddhiman saha Rishabh Pant pakistan