પાકિસ્તાનની ટી૨૦માં જીતની સેન્ચુરી

15 February, 2021 01:13 PM IST  |  Lahore

પાકિસ્તાનની ટી૨૦માં જીતની સેન્ચુરી

પાકિસ્તાન-સાઉથ આફ્રિકા વચ્ચે ગઈ કાલે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી૨૦ મૅચમાં પાકિસ્તાને ચાર વિકેટે બાજી મારીને સિરીઝ કબજે કરી હતી. સાઉથ આફ્રિકાએ ૮ વિકેટે કરેલા ૧૬૪ રન સામે પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં જ ૬ વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવી લીધા હતા. આ સાથે પાકિસ્તાન કુલ ૧૦૦ ટી૨૦ જીત્યું હતું. આ સિદ્ધિ મેળવનાર એ પહેલો દેશ બન્યો છે.

પાકિસ્તાને પહેલાં ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મોટા ભાગે તેમનો એ નિર્ણય સાચો સાબિત થયો હતો. નબળી શરૂઆત કર્યા બાદ સાઉથ આફ્રિકાએ સાતમી ઓવરના ત્રીજા અને ચોથા બૉલમાં સતત બે વિકેટ ગુમાવી હતી. ૧૦ ઓવરમાં તેમનો સ્કોર ૬૧ રને છ વિકેટ હતો જેને લીધે તેઓ ૧૨૦ રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં એવું લાગતું હતું, પણ ડેવિડ મિલરે એકલા હાથે લડત આપીને ૪૫ બૉલમાં પાંચ ચોગ્ગા અને ૭ સિક્સર ફટકારીને અણનમ ૮૫ રન કર્યા હતા અને ટીમના સ્કોરને ૧૬૦ની પાર પહોંચાડ્યો હતો. ઝાહેદ મહમૂદે સૌથી વધારે ત્રણ, જ્યારે મોહમ્મદ નવાઝ અને હસન અલીએ બે-બે અને ઉસ્માન કાદીરને એક વિકેટ મળી હતી.

પાકિસ્તાનના ઓપનરોએ સારી લડત આપતાં પહેલી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી હતી. મોહમ્મદ રીઝવાન ૪૨ અને હૈદર અલી ૧૫ રને આઉટ થયા બાદ બાબર આઝમ સૌથી વધારે ૪૪ રને આઉટ થયો હતો. મોહમ્મદ નવાઝ અને હસન અલીએ અણનમ ૧૮ અને ૨૦ કરી ટીમને જીત અપાવી હતી. તબ્રેઝ શમ્સીએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી.

sports sports news cricket news pakistan south africa