પાકિસ્તાન ૨૯૮ રનમાં ઑલઆઉટ, સાઉથ આફ્રિકા એક વિકેટે ૧૨૭ રન

08 February, 2021 10:56 AM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ૨૯૮ રનમાં ઑલઆઉટ, સાઉથ આફ્રિકા એક વિકેટે ૧૨૭ રન

સેન્ચુરી ફટકાર્યા બાદ ભગવાનનો આભાર માનતો મોહમ્મદ રીઝવાન. (તસવીર: પી.ટી.આઇ.)

પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મૅચ ગઈ કાલે ચોથા દિવસે રોચક તબક્કમાં પહોંચી ગઈ હતી. બીજી ઇનિંગમાં પાકિસ્તાનને ૨૯૮ રને અટકાવીને સાઉથ આફ્રિકાને પહેલી ઇનિંગના શેષ રહેલા ૭૧ રન અને બીજી ઇનિંગના ૨૯૮ મળી કુલ ૩૭૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ચોથા દિવસની શરૂઆત કરવા ઊતરેલા પાકિસ્તાને ૬ વિકેટે ૧૨૯ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. એક બાજુ ટીમની વિકેટ નિયમિત સમયે પડી રહી હતી, પણ સામા છેડે મોહમ્મદ રીઝવાને પારી સંભાળી રાખી હતી. રીઝવાન ૨૦૪ બૉલમાં નાબાદ ૧૧૫ રનની ઇનિંગ રમ્યો હતો. નૌમાન અલી ૪૫ રન બનાવીને આઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના જ્યૉર્જ લિન્ડેએ સૌથી ‍વધારે પાંચ વિકેટ લીધી હતી, જ્યારે કેશવ મહારાજને ત્રણ અને કૅગિસો રબાડાને બે વિકેટ મળી હતી.

કુલ ૩૭૦ રનના લક્ષ્યને પ્રાપ્ત કરવા ઊતરેલા સાઉથ આફ્રિકાએ સંભાળીને શરૂઆત કરી હતી. જોકે તેમનો ઓપનર ડીન ઍલ્ગર ૧૭ રને આઉટ થયો હતો, જ્યારે દિવસના અંત સુધીમાં એઇડન માર્કરમ ૫૯ અને રેસિસ વૅન ડેર ડુસન ૪૮ રન કરીને ક્રીઝ પર છે. સાઉથ આફ્રિકાને આ મૅચ જીતવા માટે હજી ૨૪૩ રનની જરૂર છે. સ્વાભાવિક છે કે મહેમાન ટીમ આ મૅચ જીતીને બે ટેસ્ટ મૅચની સિરીઝ ડ્રૉ કરાવવાનો પૂરતો પ્રયાસ કરશે.

sports sports news cricket news pakistan south africa test cricket