પંજાબના પુત્તરે પાકિસ્તાની ટીમના નાકે દમ લાવી દીધો

18 August, 2022 12:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૬૫ રન ફટકાર્યા, પણ જીત ન અપાવી શક્યો : જોકે નેધરલૅન્ડ્સે હારતાં પહેલાં ૨૯૮ રન બનાવ્યા

વિક્રમજીત સિંહ

રૉટરડૅમમાં મંગળવારે પાકિસ્તાનની ટીમ નેધરલૅન્ડ્સ સામેની પહેલી વન-ડે માંડ-માંડ જીતી હતી. બાબર આઝમના સુકાનમાં પાકિસ્તાને ૬ વિકેટે ૩૧૪ રન બનાવ્યા પછી નેધરલૅન્ડ્સનો સ્કોર ૫૦ ઓવરને અંતે ૮ વિકેટે ૨૯૮ રન હતો. છેક ત્યારે પાકિસ્તાની ક્રિકેટરોએ ૧૬ રનના નજીવા માર્જિનથી જીત મળતાં રાહતનો શ્વાસ લીધો હતો. 

ફખર ઝમાનના ૧૦૯ રન અને બાબરના ૭૪ રનની મદદથી પાકિસ્તાને ૩૦૦ રન પાર કર્યા બાદ નેધરલૅન્ડ્સને ૩૧૫ રનનો લક્ષ્યાંક આપ્યો એ મેળવવા જતાં હૅરિસ રોઉફ (૬૭ રનમાં ૩ વિકેટ), નસીમ શાહ (૫૧ રનમાં ત્રણ) વગેરે જાણીતા બોલર્સની હાજરીમાં યજમાન ટીમના સુકાની સ્કૉટ એડવર્ડ્સે ૬૦ બૉલમાં અણનમ ૭૧ રન અને ટૉમ કૂપરે ૫૪ બૉલમાં ૬૫ રનનાં મોટાં યોગદાનો આપ્યાં હતાં, પરંતુ પાકિસ્તાની બોલર્સને હંફાવવાની શરૂઆત ભારતીય મૂળના ટીનેજ ઓપનર વિક્રમજીત સિંહે કરી હતી. તેણે ટીમના તમામ બૅટર્સમાં સૌથી વધુ ૧૩૮ મિનિટ સુધી ક્રીઝ પર રહીને ૯૮ બૉલમાં પાંચ ફોરની મદદથી ૬૫ રન બનાવીને નેધરલૅન્ડ્સની લડતનો પાયો નાખ્યો હતો.

૧૯ વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટર વિક્રમજીત સિંહ મૂળ પંજાબનો છે. તે નેધરલૅન્ડ્સ વતી ૧૦ વન-ડે અને ૩ ટી૨૦ રમ્યો છે અને કુલ ૩૫૦ જેટલા રન બનાવ્યા છે.

sports news sports cricket news pakistan netherlands